રવિવારે માધવબાગમાં અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: માધવબાગ સંકુલમાં પ્રખ્યાત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રવિવારે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે આ એક ઐતિહાસિક ક્ષણ હોવાથી, કેન્દ્રીય ગૃહ અને સહકાર ખાતાના પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
આ પ્રસંગે મંદિરની સદીઓ જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંગીત નાટક અકાદમી અને સરફોજી રાજે ભોસલે સંસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને માધવબાગ ચેરિટીઝના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. આ દિવસે મહારાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો, નાગરિકો અને મહાનુભાવો હાજર રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગરને અમિત શાહની વિકાસની ભેટ, રૂ. 1593 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…
શ્રી લક્ષ્મીનારાયણ મંદિરએ મુંબઈના પૌરાણિક સામાજિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. માધવબાગ સંકુલનો ઇતિહાસ 150 વર્ષ પહેલાંનો છે, જ્યારે આ વિસ્તાર ‘લાલબાગ’ તરીકે ઓળખાતો હતો. ઈ.સ. 1874માં કપોળ સમાજના બે અગ્રણી ઉદ્યોગપતિઓ – વરજીવનદાસ માધવદાસ અને નરોત્તમ માધવદાસે – તેમના પિતાની યાદમાં એક ભવ્ય મંદિર સંકુલ બનાવવાનું નક્કી કર્યું અને જમીનનો મોટો પ્લોટ ખરીદ્યો. 1875માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના થઈ હતી.
આ મંદિરનું નિર્માણ પોરબંદરના પથ્થરોનો ઉપયોગ કરીને પ્રખ્યાત વાસ્તુ વિશારદ ભીમ રામજીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્થાપત્યની ઉત્કૃષ્ટ કૃતિ સમાન આ મંદિર હજુ પણ મુંબઈમાં એક મુખ્ય પૂજા સ્થળ તરીકે ઓળખાય છે.