
મુંબઈ: મલાડ પશ્ચિમમાં આવેલા મઢ આઇલેન્ડના રહેવાસીઓને અંધેરી સુધી પહોંચવા માટે અંદાજે ૧૮.૬ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આના માટે ઓછામાં ઓછો દોઢ કલાક લાગે છે. હવે ટૂંક સમયમાં આ અંતર ઓછું થઇ જવાનું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર વર્સોવા ખાડી પર પ્રસ્તાવિત પુલ બન્યા બાદ આ ૧૮.૬ કિ.મી.નું અંતર ફક્ત પાંચ કિ.મી. થઇ જશે અને પ્રવાસનો સમય દોઢ કલાકથી ઘટીને વીસ મિનિટ થઇ જશે. આ પુલ બનાવવા માટે અંદાજે ૨,૦૩૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પુલના નિર્માણ બાદ લોકોને ઘણી સુવિધા થઇ જશે તથા સમય અને ઇંધણની બચત પણ થશે.
મઢના સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઘણાં વર્ષોથી માગણી કરવામાં આવી રહી હતી કે મઢ જેટ્ટી અને વર્સોવા ખાડી પર પુલ બનાવવામાં આવે. હવે તેમના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને તેની માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. પાલિકાનું કહેવું છે કે આ પ્રોજેક્ટના ખર્ચમાં કોઇ વધારો થયો નથી.
આ અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે 2,038 કરોડના ખર્ચને મંજૂર કરવામાં આવ્યો હતો, ત્યારે એની સાથે વધુ 550 કરોડની પણ ફાળવણી કરી હતી. આમ છતાં આ પુલ માટે વધારે ખર્ચ થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટને મંજૂરી મળ્યા પછી ફાઈનલ બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી હતી. પાલિકાને સીઆરએઝ ક્લિયરન્સ મળ્યું હતું, પરંતુ હજુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મંજૂરી મળવાનું બાકી છે.
ટેન્ડરમાં વિવિધ કાર્યોનો સમાવેશ
ટેન્ડરમાં આ પ્રકલ્પ માટે મુખ્ય એન્જિનિયરિંગ કાર્ય, સિવિલ/મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ, એલિવેટેડ રોડ, કેબલ સ્ટે બ્રિજ, સીસીટીવી, કન્ટ્રોલ રૂમ અને અન્ય સિસ્ટમ, પર્યાવરણ મેનેજમેન્ટ, પુલની દેખરેખ અને વીમો વગેરેનો સમાવેશ કરાયો છે
Also Read –