આમચી મુંબઈ

અકસ્માતમાં ઘવાયેલા શખસને 8.13 લાખનું વળતર ચૂકવવાનો એમએસીટીનો આદેશ

કેસ લંબાવવા બદલ વીમા કંપનીને ફટકાર લગાવી

થાણે: મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) માર્ગ અકસ્માતમાં ઘવાયેલા શખસને 8.13 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત દોષી વાહન અને વીમા કંપનીને પંદર હજાર રૂપિયાનો વળતર ખર્ચ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

વીમા કંપનીએ મામલો શક્ય તેટલો લંબાવવાની કોશિશ કરી હતી, એમ ટ્રિબ્યુનલના સભ્ય એસ. એન. શાહે નોંધ કરી હતી. 20 મેના રોજ આ આદેશ અપાયો હતો.

રિક્ષાચાલક અને ટીવી સિરિયલમાં સાઇડ એક્ટર ઇમરાન મોહંમદ ખાન 29 જુલાઇ, 2016ના રોજ અકસ્માતમાં ઇજા પામ્યો હતો. બિઝનેસ સર્વિસ કંપનીની માલિકીને મોટર વેન સિગ્નલ તોડી તેના વાહન સાથે અથડાઇ હતી. ખાનના દાંત તૂટવા સાથે ચહેરા પર ગંભીર ઇજા થઇ હતી, જેને કારણે તેની કારકિર્દીને નુકસાન થયું હતું.

આ પણ વાંચો: માર્ગ અકસ્માતમાં ઘવાયેલા યુવકને રૂ. 46.36 લાખ વળતર ચૂકવવાનો એમએસીટીનો આદેશ

ટ્રિબ્યુનલે નોંધ કરી કે વીમા કંપનીએ ડિસેમ્બર, 2016માં વકીલ થકી દલીલ કરી, પરંતુ લગભગ પાંચ વર્ષ અને આઠ મહિના સુધી લેખિત નિવેદન નોંધ્યું નહોતું. લેખિત નિવેદન ન આપવા છતાં ઑગસ્ટ, 2021માં આદેશ પસાર કરાયો હતો, જે પછી બાજુમાં રખાયો હતો અને આખરે લેખિત નિવેદન નોંધવામાં આવ્યું હતું.

ટ્રિબ્યુનલે એવી પણ નોંધ કરી કે વીમા કંંપનીએ પુરાવા રજૂ કરવામાં વિલંબ કર્યો હતો. પુરાવા દર્શાવે છે કે કંપનીએ એક યા બીજા અવસરે પ્રકરણે વિલંબમાં મૂક્યું હતું. આથી તેને અરજદારને પંદર હજાર રૂપિયાનો વળતર ખર્ચ ચૂકવવાનો આદેશ અપાયો હતો.

આ પણ વાંચો: અકસ્માતમાં પગ ગુમાવનારને 32 લાખનું વળતર ચૂકવવાનો એમએેસીટીનો આદેશ

વાહનના માલિક અને વીમા કંપનીને સંયુક્ત રીતે કસૂરવાર ઠરાવીને અરજદારને 8.13 લાખ રૂપિયા સાથે અરજી નોંધાવી તે તારીખથી વાર્ષિક આઠ ટકા વ્યાજ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

ભરપાઇ માટે 2.88 લાખ રૂપિયા આવકના ભાવિ નુકસાન, 41 હજાર રૂપિયા હોસ્પિટલ અને તબીબી ખર્ચ, 30 હજાર રૂપિયા વિશેષ ડાયેટ અને કન્વિનિયન્સ, 1.15 લાખ ભાવિ ઉપચાર, 30 હજાર રૂપિયા દર્દ અને પીડા માટે, પચાસ હજાર રૂપિયા જીવનની સુખસુવિધાના નુકસાન માટે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રમાણસર વ્યાજ સાથે 6.13 લાખ રૂપિયા સીધા જ અરજદારને ચૂકવવાના રહેશે, જ્યારે બે લાખ રૂપિયા પાંચ વર્ષ માટે એફડીમાં જમા કરવાના રહેશે, એમ આદેશમાં જણાવાયું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button