નવી મુંબઈની APMC Marketમાં થયું Lycheeનું આગમન…

નવી મુંબઈ: હાલમાં હાપુસ (Alphonso Mango)ની સિઝન તેના છેલ્લાં તબક્કામાં છે અને હવે ધીરે ધીરે બીજા ફળોની સિઝન પણ શરૂ થઈ છે. હાપુસ બાદ હવે બજારમાં લીચી (Lychee) જોવા મળી રહી છે. મે મહિનાના અંત સુધીમાં હાપુસની સિઝન પૂરી થઇને ચોમાસુ ફળો (Monsoon Fruit)ની સિઝન શરૂ થાય છે. હાલમાં નવી મુંબઈની એપીએમસી માર્કેટ(APMC Market)માં એદ દિવસમાં લીચીના ૧૫૦૦-૧૬૦૦ બોક્સની આવક થઈ રહી છે અને બે દિવસમાં આવક વધીને ૩,૦૦૦ બોક્સ થઈ જશે એવો વિશ્વાસ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
નવી મુંબઈના એપીએમસી માર્કેટના વેપારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં પશ્ચિમ બંગાળમાંથી લીચી બજારમાં આવી રહી છે. લીચીને ટ્રક દ્વારા બજારમાં પહોંચતા ત્રણ દિવસનો સમય લાગે છે, પરિણામે એના બગડી જવાની સંભાવના વધારે હોય છે. આવું ન થાય એ માટેઆ ફળના ટ્રાન્સપોર્ટેશન માટે રેલવે (Railway) અને હવાઈ પરિવહનનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ, ઘણી વખત રેલવે સેવાઓમાં વિલંબને કારણે હાલમાં માત્ર હવાઈ પરિવહન જ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે આ વર્ષે લીચીના ભાવ દર વર્ષ કરતાં થોડા વધારે જ રહેશે, એવી સ્પષ્ટતા પણ વેપારી દ્વારા કરવામાં આવી છે. હાલમાં એપીએમસી માર્કેટમાં એક કિલો લીચી (Lychee)ના ભાવ ૨૫૦-૩૦૦ રૂપિયા જેટલા છે.
લીચીની સિઝનના પ્રારંભે જ ગરમ હવામાનને ફટકો પડ્યો છે. લીચી ગરમ હવામાનમાં ઝડપથી બગડે છે. ગરમ હવામાનને કારણે લીચીના પ્રારંભિક ઉત્પાદનને અસર થઈ હતી જેથી લીચીની સિઝન મોડી શરૂ થઈ છે. શરૂઆતના પહેલાં જ એક અઠવાડિયામાં લીચીના પાકનું ૭૦ ટકા જેટલું ઉત્પાદન બગડી ગયું હતું.