LTTની કાયાપલટ, આગામી દિવસોમાં 24 કલાકનો ‘મેગા બ્લોક’ લેવામાં આવશે…..

મુંબઈ: મધ્ય રેલવે પર લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) ખાતે આવનારા સમયમાં વધુ બે પ્લેટફોર્મ શરૂ કરવાનું વિચારી રહી છે. જેના માટે મધ્ય રેલવે લગભગ 24 કલાકનો મેગા બ્લોક કરવો પડશે. સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર રામકરણ યાદવે જણાવ્યું હતું કે આ મહિને એલટીટી પ્લેટફોર્મના કટ અને કનેક્શન માટે બ્લોક કરવામાં આવશે અને જ્યારે બ્લોક કરવામાં આવે ત્યારે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. LTT ઉપરાંત આવતા મહિને CSMTમાં પણ મેગા બ્લોક કરવામાં આવે તેવી શક્યતા છે. આ બ્લોક લગભગ 48 કલાકની હોઈ શકે તેવી શક્યતા છે. કારણકે હાલમાં સીએસએમટીમાં પ્લેટફોર્મને મોટા કરવાનું કામ ચાલી રહ્યું છે.
CSMT અને LTT બંને સ્ટેશનો પર રોજના લાખો લોકોની અવર જવર થતી હોય છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ભારતની ટ્રેનો પણ અહીંથી જ દોડે છે. છેલ્લા કેટલાક સમયથી આ લાંબા અંતરની ટ્રેનોમાં નોંધનીય રીતે વધારો થયો છે અને તેના કારણે લોકલ પબ્લિકની સાથે સાથે અન્ય રાજ્યોમાંથી આવનારા મુસાફરોમાં પણ વધારો થયો છે. અને તેના કારણે જ પ્લેટફોર્મ મોટા કરવા જરૂરી બની ગયા છે. હાલમાં LTTમાં પાંચ પ્લેટફોર્મ છે, જેને સાત કરવા માટેનું કામકાજ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. મધ્ય રેલવેનું સૌથી મોટું ટર્મિનસ CSMT છે, જ્યાં રોજની લગભગ 110 લાંબા અંતરની ટ્રેનોની અવર જવર રહે છે. અગાઉ કુર્લા ટર્મિનસ પણ ટ્રેનોની સંખ્યા વધ્યા બાદ શરી કરવામાં આવ્યું હતું અને હાલમાં અહીંથી દરરોજ લગભગ 70 ટ્રેનો ચાલે છે. એક અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે પીક સીઝનમાં નિયમિત ટ્રેનો સિવાય વધારાની ટ્રેનોની સંખ્યા પણ ઘણી વધારવામાં આવે છે. પરંતુ આ વધતી તમામ ટ્રેનો માટે પ્લેટફોર્મ પૂરતા નથી. હાલમાં CSMT ખાતે લાંબા અંતરના તમામ પ્લેટફોર્મ પર 24 કોચની ટ્રેન ઊભી રહે તેટલી જગ્યા ન હોવાના કારણે કેટલીક ટ્રેનોને LTT પર શિફ્ટ કરવી પડે છે.
મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે હવે ભારતીય રેલવેની લગભગ તમામ ટ્રેનોની સરેરાશ લંબાઈ 24 કોચની કરવામાં આવશે. જ્યારે LTTના તમામ પ્લેટફોર્મ 24 કોચની ટ્રેન આરામથી ઊભી રહી શકે છે. ત્યારે હાલમાં LTT પર નવા બે પ્લેટફોર્મ શરી કરવામાં આવશે તે પણ 24 કોચની ટ્રેનો માટે પણ હશે. મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવા પ્લેટફોર્મ લગભગ તૈયાર છે. માર્ચ 2024 સુધીમાં તેની પર ટ્રેનોની અવરજવર શરૂ કરવામાં આવશે. આ પ્લેટફોર્મના નિર્માણ માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.