લોઅર પરેલ સ્કાયવોક-મોનોરેલ સ્કાયવોક સાથે કનેક્ટ કરાશે, પાલિકા કરશે વધુ 40 કરોડનો ખર્ચ
મુંબઈઃ પાંચ વર્ષ સુધી રાહ જોયા બાદ શરૂ કરવામાં આવેલી લોઅર પરેલના ફ્લાયઓવરની ડિલાઈલ રોડ જનારી એક લેન ખુલી મૂકવામાં આવતા ગણેશભક્તોને રાહત મળી છે હવે એમાં લોઅર પરેલનો બ્રિજને અને નજીકમાં જ આવેલા મોનોરેલના લોઅર પરેલ સ્ટેશનના સ્કાયવોક સાથે જોડવામાં આવશે. ભીડને ટાળના માટે મુંબઈ મહાપાલિકાના પુલ વિભાગ દ્વારા આ સ્કાયવોક બાંધવામાં આવશે અને એના માટે આશરે 40 કરોડ જેટલો વધારાનો ખર્ચ કરવામાં આવશે.
લોઅર પરેલ ખાતેના પુલના કામ માટે જાન્યુઆરી, 2020માં કોન્ટ્રાક્ટરની પસંદગી કરીને આ પુલના બાંધકામ માટે આશરે 114 કરોડના ખર્ચને સ્થાયી સમિતી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ બાંધકામ માટે જીએચવી ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપનીની પસંદગી કરવામાં આવી હતી અને ચોમાસાને બાદ કરતાં 18 મહિનામાં એટલે કે માર્ચ, 2022 સુધી આ કામ પૂરું થવાનું અપેક્ષિત હતું.
પરંતુ પશ્ચિમ રેલવે દ્વારા આ પૂલનું કામ મોડેથી શરૂ કરવામાં આવતા કામ પૂરું થવામાં ચોમાસાને બાદ કરીને પણ છ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. આ નવી ડેડલાઈન બાદ આ કામ ઓક્ટોબર, 2023માં પૂરું થઈ જવું જોઈતું હતું પરંતુ કામ સમયસર ન થતાં બાંધકામના ખર્ચમાં આશરે 40 કરોડનો વધારો થયો છે અને કોન્ટ્રાક્ટરને વધુ 9 મહિનાનો સમય વધારીને આપવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લોઅર પરેલ ખાતેની એક લેન ગણેશોત્સવ પહેલાં ખુલી કરવામાં આવી હોવાને કારણે નાગરિકોને આંશિક રાહત મળી છે અને ગણપત પાટીલ માર્ગ પર પહોંચવા માટેના રસ્તાનું કામ પણ ટૂંત સમયમાં જ પૂરું કરવામાં આવશે, જેની સાથે સાથે ના. મ. જોશી માર્ગ (દક્ષિણ) ખાતેના કનેક્ટિંગ રોડનું કામ પણ પશ્ચિમ રેલવેના બ્રિજનું કામ પૂરું થયા બાદ હાથ ધરવામાં આવશે. એમાંથી એક લેન તો ગયા રવિવારે ખુલી મૂકવામાં આવી હતી.