વસઈમાં પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ નાળામાં ફેંકનારા પ્રેમીની ધરપકડ
આરોપીની કબૂલાત પછી પોલીસે યુવતીના હાડપિંજરને નાળામાંથી શોધી કાઢ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગ્નની જીદ કરનારી પ્રેમિકાનું ગળું દબાવી કથિત હત્યા કર્યા બાદ તેના મૃતદેહને નાળામાં ફેંકી દેવામાં આવ્યો હોવાની ઘટના વસઈ નજીક બની હતી. તપાસ દરમિયાન આરોપી પ્રેમીએ કરેલી કબૂલાત પછી પોલીસે નાળામાંથી યુવતીના હાડપિંજરને શોધી કાઢ્યું હતું.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ અમિત સુગ્રીવ સિંહ (28) તરીકે થઈ હતી. આરોપીની કબૂલાત પછી નાયગાંવ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ માટે આરોપીને નાયગાંવ પોલીસના તાબામાં સોંપાયો હતો.
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં રહેતી પ્રિયા સિંહ (25) ગુમ થઈ હોવાની ફરિયાદ યુપીના એમ્સ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીને આધારે તાજેતરમાં યુપી પોલીસ વસઈ આવી હતી. વરિષ્ઠ અધિકારીઓને મળી યુપી પોલીસે તપાસમાં મદદ માગતાં ક્રાઈમ બ્રાન્ચને મામલો સોંપાયો હતો.
યુનિટ-3ના ઇન્ચાર્જ શાહુરાજ રણવરેની ટીમને તપાસમાં જણાયું હતું કે પ્રિયા વસઈની ચૌધરી વાડી ખાતેના બંગલોમાં રહેતા અમિતના સંપર્કમાં હતી. 16 ડિસેમ્બર, 2024ના રોજ પણ તે અમિતને મળવા વસઈ આવી હતી. શંકાને આધારે તાબામાં લેવાયેલા અમિતે પૂછપરછ દરમિયાન શરૂઆતમાં ઉડાઉ જવાબ આપ્યા હતા. જોકે બાદમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ અમિત અને પ્રિયા વચ્ચે પ્રેમસંબંધ હતો, પરંતુ અમિતના પરિવારજનોએ તેમનાં લગ્નનો વિરોધ કર્યો હતો. પરિણામે અમિત વારંવાર લગ્નની વાત ટાળતો હતો. પ્રિયાએ લગ્નની જીદ પકડતાં અમિતે તેને પતાવી નાખવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો :મુંબઈના રેલવે સ્ટેશનો પરની પાણીની પરબ ક્યાં થઈ ‘ગાયબ’: પ્રવાસીઓ ‘તરસ્યા’?
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ 25 ડિસેમ્બરની રાતે ફરવા જવાને બહાને અમિત પ્રિયાને મહાજન પાડા નજીકની રૉયલ પાર્ક ઈન્ડસ્ટ્રીઝ પાસેના નિર્જન સ્થળે લઈ ગયો હતો. ત્યાં ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને પાસેના નાળામાં ફેંકી દીધો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા અને પ્રિયા દિલ્હી તરફ ગઈ હોવાનું દર્શાવવા આરોપીએ તેનો મોબાઈલ ઑન રાખી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મૂકી દીધો હતો.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મદન બલ્લાળે જણાવ્યું હતું કે આરોપીની કબૂલાતથી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી બતાવેલા સ્થળેથી નાળામાં તપાસ કરતાં યુવતીના મૃતદેહના અવશેષ મળી આવ્યા હતા. નાયગાંવ પોલીસ વધુ તપાસ કરી રહી છે.