‘મ્હાડા’ના ફ્લેટના લોટરી ડ્રોની તારીખ જાહેર…
મુંબઈઃ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના મુંબઈ વિભાગના 2030 ફ્લેટ માટેના લોટરી ડ્રોની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ડ્રો ૮ ઓક્ટોબરે યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે યોજાશે.
મુંબઈ બોર્ડે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં 2,030 ફ્લેટ માટે જાહેરાત જારી કરી હતી અને 9 ઓગસ્ટથી અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું હતું. ડ્રોના મૂળ કાર્યક્રમ મુજબ 4 સપ્ટેમ્બરે ડિપોઝિટની રકમ સાથે અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ હતી. ત્યાર બાદ પાત્ર અરજદારોની અંતિમ સૂચિ જાહેર કરી ડ્રોનું પરિણામ ૧૩ સપ્ટેમ્બરના રોજ જાહેર થવાનું હતું.
અરજી વેચાણ – મંજૂરીને આડે એક અઠવાડિયાનો સમય બાકી હતો ત્યારે બોર્ડે અરજી વેચાણ – સ્વીકારની મુદતમાં વધારો કર્યો હતો. પરિણામે ૧૩ સપ્ટેમ્બરનો લોટરી ડ્રોનો સમય આગળ ધકેલાયો હતો.
એના અનુસાર અરજીના વેચાણ – સ્વીકૃતિની અંતિમ તારીખ 19 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. દરમિયાન બોર્ડે મ્હાડાની વેબસાઈટ પર ગુરુવારે મોડી રાત્રે સમયપત્રક રજૂ કર્યું હતું. આ સમયપત્રક અનુસાર 8 ઓક્ટોબરે ડ્રો કરવામાં આવશે. કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા અરજીઓ રજૂ કરવાની અંતિમ તારીખ 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:59 વાગ્યે રહેશે.
અરજી વેચાણ – સ્વીકૃતિ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીઓની ચકાસણી કરી ૨૭ સપ્ટેમ્બરે સાંજે6 વાગ્યે પાત્ર અરજીઓની ડ્રાફ્ટ યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. પાત્ર અરજદારોની અંતિમ સૂચિ મ્હાડાની સત્તાવાર વેબસાઇટ પર ત્રીજી ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે રજૂ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડ્રોનું પરિણામ 8 ઓક્ટોબરે યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ઓડિટોરિયમમાં સવારે 10.30 વાગ્યે જાહેર કરવામાં આવશે.