પ્રભુ રામ પધાર્યા મારે દ્વાર
પ્રભુ રામ પધાર્યા મારે દ્વાર
- હેમંત વાળા
પ્રભુ, વર્ષોની તપસ્યાનો આજે અંત આવ્યો. આંખો થાકી ગઈ હતી. ક્યારેક તો વિશ્વાસ પણ ડગી જતો. જગતના ગાઢ અંધકારમાં આશાના કિરણના પ્રવેશની સંભાવના નહિવત જણાતી હતી. શ્રીરામનો કલ્પનામાં ન આવે તે પ્રકારનો વનવાસ હતો.
અંતે સ્વયમ શ્રીરામે કણા દાખવી. ભરત જેવા ભક્તોનું દુ:ખ, જટાયુ જેવા ભક્તોના બલિદાન, લક્ષ્મણ જેવા ભક્તોની તપસ્યા, હનુમાન જેવા ભક્તોનું શૌર્ય, સુગ્રીવ સમાન ભક્તોનો સહકાર, વિભીષણ સમાન ભક્તોનું સમર્પણ, શબરી સમાન ભક્તોની શ્રદ્ધા; સાથે મહાદેવના આશીર્વાદ સમાન કૃપા રંગ લાવી. ચૌદ-વરસોનો વનવાસ વેઠીને પ્રભુ શ્રીરામ પરત ઘરે પધાર્યા.
સાંપ્રત સમયના રાવણ જેવા અહંકારીનો નાશ કર્યો. કુંભકરણ સમાન સદા નિદ્રાધીન રહેતા પ્રમાદીનો વધ કર્યો. ઈન્દ્રને હરાવનાર સામર્થ્યવાન મેઘનાદને પણ પરાસ્ત કર્યો. સુવર્ણ દ્વારા – ધન દ્વારા સમાજને લોભાવનાર મરીચિનો વધ કર્યો. અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના માટે, ધર્મ આધારિત વિચારધારાની પ્રેરણા માટે અને તેનાથી વિપરીત વિચારધારાના ખંડન માટે, શ્રીરામે, શ્રીકૃષ્ણની જેમ વધુ એક લીલા આદરી. પ્રભુ ફરીથી ઘરે પધાર્યા.
વનવાસ શ્રદ્ધાનો ન હતો. ધીરજ અને વિશ્વાસ પણ અહીં જ હતા. આધ્યાત્મની જ્યોત તો પ્રજ્વલિત જ હતી. ધાર્મિક પૂર્ણતામાં રતિભર પણ ખોટ ન હતી આવી. ભક્તિનો દીવો જરાય ઝાંખો ન હતો પડ્યો. અલખની ધૂણી તો ધખતી જ રહી. વનવાસ ભૌતિક માત્ર હતો, ભાવનાત્મકતાથી તો શ્રીરામ અયોધ્યામાં જ હતા. એક રીતે જોતા વનવાસ કૈકેયીનો હતો.
શ્રીરામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે એક દિવસનો વિરહ પણ ચૌદ વર્ષના વનવાસ સમાન લાગે. શ્રીરામ પ્રત્યેની અપાર સાકાર ભક્તિને કારણે તેમના સાકાર પથી એક ક્ષણની દુરી પણ અસહ્ય બની રહે. શ્રીરામની સગવડતા માટે જાતને ન્યોછાવર કરી દેનાર વ્યક્તિ માટે શ્રીરામની એક પળની તકલીફ પણ માન્ય ન હોય. તેવા સંજોગોમાં આટલો મોટો વનવાસ તો રામાનુદાસને માન્ય જ ન હોય. પરંતુ સમજવા જેવી વાત એ છે કે, શ્રીરામના વનવાસનો સમયગાળો ભલે મોટો જણાતો હોય, પરંતુ આ શ્રીરામના ભક્તોની એક પરીક્ષા હતી. તેમની શ્રદ્ધા કેટલી માત્રામાં ટકી રહે છે, કેટલી પ્રતિબધ્ધતાથી તેઓ વનવાસની પૂર્ણતા માટે કટિબદ્ધ રહે છે, ક્યાં સુધી વિશ્વાસથી તકલીફો સહન કરે છે, અધર્મના ખંડન માટે ક્યાં સુધી ધર્મનો સાથ નિભાવે છે – જેવી બાબતો સમજવા માટે આ સમયગાળો બરાબર છે.શ્રીરામના આ વનવાસ દરમિયાન રાવણ જેવી મનોવૃત્તિ ધરાવનાર વ્યક્તિઓએ મા ભારતના સતીત્વનું હરણ કરવા પ્રયત્ન પણ કરેલો. મેઘનાદ જેવી મનોવૃત્તિ ધરાવનાર વ્યક્તિઓએ માયાથી સમાજને ભ્રમિત કરવા માટે પ્રપંચ પણ આદરેલો. કુંભકર્ણ જેવી માનસિકતા ધરાવનાર વ્યક્તિઓએ સમગ્ર સમાજને કાં તો સુતેલો માનેલો કાં તો સુવડાવી દેવા પ્રયત્ન કરેલો. રાવણ સેનાના અન્ય રાક્ષસો જેવી મનોવૃત્તિ ધરાવનાર વ્યક્તિઓએ સમાજના અવાજને ડરાવી ધમકાવીને દબાવી દેવા પણ પ્રયત્ન કરે લો. આ બધા પ્રયત્નોમાં કોઈ કચાશ ન હતી. પણ અંતે તો ધર્મનો વિજય થયો. અંતે સત્ય સ્થાપિત થયું. અંતે શ્રીરામનો વનવાસ પૂરો થયો.મારા શ્રીરામનો વનવાસ પૂરો થયો છે. સમગ્ર પૃથ્વી સ્વચ્છ થઈ જાતે જ પોતાને શણગારશે. આજે તો લાખો દીવડા સ્વયમ પ્રકટશે. પ્રત્યેક આંગણુ જાતે જ પોતાને રંગોળીથી સજાવશે. સંસારના પ્રત્યેક દ્વાર ઉપર આસોપાલવનું તોરણ હશે. દરેક મંદિરમાં ઘંટારવ અને શંખનાદ આપમેળે ચાલુ રહેશે. દુનિયાના બધા જ ફુલો આપમેળે મારા શ્રીરામ અને તેમની સૃષ્ટિના શણગાર માટે પ્રવૃત્તિ થશે. જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પ્રસરી જશે. સમગ્ર સૃષ્ટિમાં એક પ્રકારનો ઉત્સાહ છે. આજે મારા શ્રીરામનો વનવાસ પૂરો થયો છે. આજે તો દરેક આતરડી ઠરેલી હશે, મન પ્રફુલ્લિત હશે, હૃદય આનંદિત હશે, ઇન્દ્રિયો સંયમિત રહેશે.