ભ્રષ્ટાચાર ડામવા બનાવેલા લોકપાલ એક નહીં સાત લક્ઝરી કાર ખરીદશે!

મુંબઈઃ 2014ની ચૂંટણી પહેલા સામાજિક સેવક અણ્ણા હઝારે અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા જે લોકપાલ કાયદાની માગણી કરી હતી, તે લોકપાલ હાલમાં વિવાદમાં સપડાયા છે.
લોકપાલ ઓફિસ તરફથી એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સાત BMW 330 Li લક્ઝરી કાર ખરીદવાનો આર્ડેર છે. આવી ખૂબ જ મોંઘી સાત કાર માટે લોકપાલે ટેન્ડર બહાર પાડતા ભારે ઉહાપોહ મચ્યો છે.
16મી ઓક્ટોબરે જાહેર કરાયેલી પબ્લિક નોટિસ અનુસાર લોકપાલને સારી એજન્સી પાસેથી સાત કાર જોઈએ છે. જે બે અઠવાડિયામાં તેમને ડિલિવર કરવામાં આવે. આ સાથે એમ પણ લખ્યું છે કે કોઈપણ કિસ્સામાં સમયમર્યાદા વધારવામાં આવશે નહીં. એક કારની કિંમત લગભગ રૂ. 60 લાખ આસપાસ હોય છે.
આ સાથે લોકપાલને એવી એજન્સી જોઈએ છે જે તેમના ડ્રાયવરને તાલીમ આપે. ક્લાસરૂમ સેશન અને ઓન રોડ્સ તાલીમ પણ આપવામા આવે અને 15 દિવસમાં આ તાલીમ પૂરી થવી જોઈએ. આ તાલીમનો પૂરો ખર્ચ પણ એજન્સીએ ઉઠાવવાનો રહેશે, તેમ પણ લોકપાલની ટેન્ડર નોટિસમાં જણાવવામાં આવ્યું છે.
આપણ વાંચો: લોકપાલને ભ્રષ્ટાચારની 2,400થી વધુ ફરિયાદ મળ્યાની સરકારનો સંસદમાં જવાબ
પ્રશાંત ભૂષણે ટ્વીટ કરી
તેમની આ નોટિસનો વકીલ પ્રશાંત ભૂષણ સહિત ઘણાએ ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમણે લખ્યું છે કે લોકપાલ કાયદો મોદી સરકારમાં સાવ નબળો પડી ગયો છે. લાંબા સમય સુધી લોકપાલની નિયુક્તિ ન કરી અને હવે એવા સભ્યોની નિયુક્તિ થઈ છે જેમને ભ્રષ્ટાચાર સાથે કોઈ લેવાદેવા નથી, તેઓ સુખસાહ્યબી માણે છે.
કૉંગ્રેસનાં નેતા શમા મહોંમદે જણાવ્યું હતું કે લોકપાલને રૂ. 5 કરોડની કાર ખરીદવી છે. આ એ જ સંસ્થા છે જેણે ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન મુવમેન્ટ બાદ ભ્રષ્ટાચાર સામે લડત આપવાની હતી. આ મુવમેન્ટ કૉંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અપ્રત્યક્ષ રીતે શરૂ કરવામાં આવી હતી.
ડૉ. મનમોહન સરકાર સમયે દિલ્હી અને પછી ઠેકઠેકાણે અણ્ણા હઝારે દ્વારા અનશન યોજવામાં આવ્યા હતા અને આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને 2014માં મોદી સરકારને સત્તા પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.