લોકસભા ચૂંટણી 2024: શિવસેનાના 20 ઉમેદવારોની સંભવિત યાદીમાં કોણ કોણ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી) પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે સંભવિત 20 ઉમેદવારો નક્કી કરી લીધા છે. પાર્ટીના વિભાજન બાદ ઠાકરે સાથે રહેલા પાંચ સાંસદોને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે. દોઢ મહિના પહેલા હત્યા કરાયેલા અભિષેક ઘોસાળકરની પત્ની તેજસ્વી ઘોસાળકરને ઉત્તર મુંબઈથી ચૂંટણી લડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેજસ્વી ઘોસાળકર ભૂતપૂર્વ કોર્પોરેટર છે.
થાણેમાં શિવસેનાને વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘેને કલ્યાણમાંથી ટિકિટ આપવામાં આવશે. દિઘેનો મુકાબલો વર્તમાન સાંસદ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સાથે થશે. ઠાકરેના શિવસેનાના ઉમેદવારોની યાદી હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરે દ્વારા જે-તે જિલ્લાઓમાં સંવાદ સભા દ્વારા કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે. ગત ચૂંટણીમાં સેનાના 3 સંસદસભ્યો ચૂંટાયા હતા. તેમાંથી 2 સંસદસભ્યો અત્યારે શિંદે પાસે ગયા છે. ઠાકરેએ મુંબઈમાં પુનરાગમન કરવા માટે તમામ શક્તિ લગાવી દીધી છે. ઠાકરેની સેના છમાંથી પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. ઉત્તર પશ્ચિમ મુંબઈથી શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર અમોલ કીર્તિકરને ટિકિટની જાહેરાત કરવામાં આવી છે. ગજાનન કીર્તિકર હાલમાં શિંદે જૂથમાં છે. થાણેની ત્રણમાંથી બે બેઠકો પર સેનાના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે.
સંભવિત યાદી:
બુલઢાણા- નરેન્દ્ર ખેડેકર
યવતમાલ-વાશિમ- સંજય દેશમુખ
હિંગોલી- નાગેશ અષ્ટિકર
પરભણી- સંજય જાધવ
રાયગઢ- અનંત ગીતે
ધારાશિવ- ઓમરાજે નિમ્બાલકર
સાંગલી- ચંદ્રહાર પાટીલ
રત્નાગીરી-સિંધુદુર્ગ-વિનાયક રાઉત
છત્રપતિ સંભાજીનગર- અંબાદાસ દાનવે
માવળ- સંજોગ વાઘેરે
શિરડી- ભાઉસાહેબ વાકચૌરે
નાશિક- વિજય કરંજકર
પાલઘર- ભારતી કામડી
કલ્યાણ- કેદાર દિઘે
થાણે- રાજન વિચારે
મુંબઈ ઉત્તર- તેજસ્વી ઘોસાળકર
મુંબઈ ઉત્તર-પશ્ચિમ- અમોલ કીર્તિકર
મુંબઈ નોર્થ-ઈસ્ટ- સંજય દિના પાટીલ
મુંબઈ દક્ષિણ-મધ્ય- અનિલ દેસાઈ
મુંબઈ દક્ષિણ- અરવિંદ સાવંત