લોકસભા ચૂંટણી- મતદાને પકડ્યો વેગ, સવારે 9 વાગ્યા સુધી 10.28 ટકા મતદાન
લોકસભા ચૂંટણી- મતદાને પકડ્યો વેગ, સવારે 9 વાગ્યા સુધી 10.28 ટકા મતદાન અંબાણી, રાજ ઠાકરે, અક્ષય કુમાર, હેમા માલિની સહિત આ હસ્તીઓએ કર્યુ મતદાન

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન 8 રાજ્યોની 49 બેઠકો માટે થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. આજે ઉત્તર પ્રદેશની 14 બેઠકો, મહારાષ્ટ્રની 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 7 બેઠકો, ઓડિશા અને બિહારની 5 બેઠકો, ઝારખંડની 3 બેઠકો જ્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે.
સંરક્ષણ પ્રધાન અને લખનૌ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ મતદાન કર્યા બાદ લોકોને શાહીવાળી આંગળી બતાવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પત્ની સાથે જઇ મતદાન કર્યું હતું. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પણ મતદાનની ફરજ બજાવી હતી.
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. અભિનેત્રી અને સાંસદ હેમા માલિની, તેમની પુત્રી અને અભિનેત્રી એશા દેઓલે મુંબઈના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું. અભિનેતા અક્ષય કુમારે પણ ભારતનું નાગરિકત્વ લીધા બાદ પ્રથમ વાર મતદાનની ફરજ બજાવી હતી. અભિનેતા રાજકુમાર રાવે મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો.
MNS વડા રાજ ઠાકરે, તેમના પરિવારના સભ્યોએ મુંબઈમાં એક મતદાન મથક પર લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મત આપ્યો હતો. મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાંચમા તબક્કાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધી 10.28 ટકા મતદાન નોંધાયું છે.
રાજ્યવાર મતદાન ટકાવારી આ મુજબ છેઃ
બિહાર- 8.86% જમ્મુ અને કાશ્મીર- 7.63% ઝારખંડ- 11.68% લદ્દાખ- 10.51% મહારાષ્ટ્ર- 6.33% ઓડિશા- 6.87% ઉત્તર પ્રદેશ: 12.89% પશ્ચિમ બંગાળ- 15.35%