આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: એનસીપીની પાંચ ઉમેદવારની પહેલી યાદીમાં સુપ્રિયા સુળે અને નિલેશ લંકે

મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પહેલી યાદી શનિવારે જાહેર કરી હતી અને તેમાં ડિંડોરી, બારામતી, વર્ધા, શિરૂર અને અહમદનગર -દક્ષિણ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

પાર્ટીના અધ્યક્ષ જયંત પાટીલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં અપેક્ષા મુજબ જ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેને સળંગ ત્રીજી વખત ઉમેદવારી આપવામાં આવી છે.

શનિવારે જાહેર કરવામાં આવેલા પાંચ ઉમેદવારોની યાદીમાં સુપ્રિયા સુળેને બારામતીથી વધુ એક વખત ઉમેદવારી આપવામાં આવી છે. આ પહેલી યાદીમાં ભાસ્કર ભાગરેને દિંડોરીથી ઉમેદવારી આપવામાં આવી છે. અમર કાળેને વર્ધા લોકસભાની બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, અમોલ કોલ્હેને શિરૂરથી બીજી વખત ઉમેદવારી આપવામાં આવી છે. નિલેશ લંકેને અહમદનગર-દક્ષિણ બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે લંકેએ શુક્રવારે જ વિધાનસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

અજિત પવારે પરભણી બેઠક પરથી ધનગર નેતા મહાદેવ જાનકરનું નામ જાહેર કર્યું

મુંબઈ: અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ શનિવારે મહાયુતીના અન્ય ઘટકપક્ષ આરએસપીના નેતા અને ધનગર સમાજના નેતા મહાદેવ જાનકરનું નામ પોતાના ક્વોટામાં આવેલી પરભણી બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યું હતું.

જાનકરે કહ્યું હતું કે તેમણે મહાવિકાસ આઘાડી પાસે ત્રણ બેઠકની માગણી કરી હતી, પરંતુ તેમને ફક્ત માઢાની બેઠક આપવાની તૈયારી દાખવવામાં આવી હતી. માઢાની બેઠક માટે તેમનું નામ જાહેર કરવા અંગે તેમણે નારાજી વ્યક્ત કરી હતી અને પછી મહાયુતિમાં જોડાઈ ગયા હતા. અહીં તેમણે બે બેઠક માગી હતી અને એક પરભણીની બેઠક આપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે અજિત પવારની પાર્ટીએ અત્યારસુધીમાં બે ઉમેદવારો શિરૂરથી શિવાજીરાવ આઢળરાવ પાટીલ અને રાયગઢથી સુનિલ તટકરેના નામની જાહેરાત કરી છે.

જાનકરને જે પરભણીની બેઠક આપવામાં આવી છે ત્યાંથી શિવસેના (યુબીટી)ના નિષ્ઠાવાન સંસદસભ્ય સંજય જાધવને ફરી ઉમેદવારી આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button