લોકસભાની ચૂંટણીમાં તો ઓછી બેઠકોથી સંતોષ માન્યો પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં…
શરદ પવારે બેઠકોની વહેંચણી અંગે આપ્યા સંકેતો

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તમામ રાજકીય પક્ષોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે આ દરમિયાન નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) (SP) એ મહા વિકાસ અઘાડી (MVA)માં સીટ વહેચણી અંગે તેમની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. લોકસભાની ચૂંટણીમાં શરદ પવારની પાર્ટી તેના સાથી પક્ષો કરતા ઓછી બેઠકો પર લડવા માટે સંમત થઈ હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં સ્થિતિ અલગ હશે.
શરદ પવારે પુણે શહેરમાં બે બેઠકો યોજી હતી. પ્રથમ બેઠક જિલ્લાના પક્ષના અધિકારીઓ સાથે હતી, જ્યારે બીજી બેઠક વિધાનસભ્યો અને ચૂંટાયેલા સાંસદો સાથે હતી. પુણે શહેરના (NCP) (SP)ના વડા પ્રશાંત જગતાપે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ શિવસેના અને કોંગ્રેસ સાથેનું જોડાણ અકબંધ રહે તે માટે જ ઓછી બેઠકો પર લોકસભાની ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું. શરદ પવારે હવે સંકેત આપી દીધા છે કે વિધાનસભા ચૂંટણીની પરિસ્થિતિ અલગ રહેશે.
આ પણ વાંચો…
આ મારા માટે કેટલું અઘરું છે? સમર્થકની આત્મહત્યા બાદ Pankaja Mundeની ભાવુક પૉસ્ટ
પ્રશાંત જગતાપે વધુમાં જણાવ્યું હતું કે શરદ પવારે પુણે બારામતી, માવળ અને શિરોડ લોકસભા મત વિસ્તારમાં આવતા વિધાનસભા ક્ષેત્ર વિશે વાત કરી હતી. બીજી બેઠકમાં ભાગ લેનાર અન્ય એક નેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે શરદ પવારે સાંસદો અને વિધાનસભ્યોને વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
આ બેઠક બાદ પાર્ટીના રાજ્ય એકમના વડા જયંત પાટિલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સીટ શેરિંગમાં તેમની પાર્ટી કેટલી સીટોની માંગ કરશે તે હજી સુધી નક્કી થયું નથી. હવે જોવાનું એ રહે છે કે ઉદ્ધવ ઠાકરેને પાર્ટી શિવસેના અને કોંગ્રેસ જે આ ગઠબંધનનો ભાગ છે તેઓ બેઠકોની વહેંચણી અંગે શું વલણ ધરાવે અપનાવે છે. (NCP) (SP)ના નેતા અનિલ દેશમુખે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે મહા વિકાસ અઘાડીમાં કોઈ મોટો ભાઈ કે નાનો ભાઈ નથી. અહીં બધા સમાન છે.
તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ અજીત પવારની આગેવાની હેઠળના જૂથના વિધાનસભ્યોમાં ઘણો ગભરાટ છે. (NCP) (SP)એ 10 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી તેમણે આઠ લોકસભા બેઠકો જીતી હતી જ્યારે અજીત પવારના જુથે ચાર બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમણે એક જ બેઠક જીતી હતી. હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના શિંદે જૂથની સરકાર છે. લગભગ પાંચ વર્ષથી રાજ્યની વિધાનસભામાં હંગામો ચાલી રહ્યો છે. શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એનસીપી પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને રાજ્યોનો વિકાસ પણ અટકી પડ્યો છે.