લોકસભા ચૂંટણીઃ આચારસંહિતાના ભંગ બદલ 1.46 લાખની સામગ્રી જપ્ત
મુંબઈ: લોકસભા ચૂંટણી ()ની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી તાત્કાલિક આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા પછી પણ તેનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે તેના સામે ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં મુંબઈ ઉપનગરમાં જ જપ્તીની 1.46 લાખ કાર્યવાહી કરી છે.
મુંબઈમાં ચાર લોકસભા બેઠક વિસ્તારમાં કાર્યવાહી કરતા ચૂંટણી પંચે 1,45,863 સામગ્રી અને અન્ય સાહિત્ય જપ્ત કર્યું હતું. આ વિશે વધુ માહિતી આપતા જિલ્લાધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે જણાવ્યું હતું કે અમે સરકારી મિલકતોમાંથી 92,294 વસ્તુઓ, જાહેર મિલકતોમાંથી 35,048 સાધન-સામગ્રી અને ખાનગી મિલકતોમાંથી 18,485 સાહિત્ય જપ્ત કર્યું હતું. જોકે, જપ્તી અંગેના ચોક્કસ સત્તાવાર આંકડા મેળવી શકાયા નહોતા. જેના કારણે કઇ કઇ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી તે જાણી શકાયું નહોતું.
જિલ્લાધિકારી કાર્યાલયના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ આચારસંહિતા લાગુ થઇ ત્યારબાદ ઉપનગર જિલ્લામાં કડક તપાસ અને ચકાસણી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ જરાય ઢિલ દર્શાવવામાં આવશે નહીં. આ ઉપરાંત આ કાર્યવાહી માટે વિશેષ સ્ક્વૉડ્સ બનાવવામાં આવી હોવાની ખાતરી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ માટે 165 ફ્લાઇંગ સ્ક્વૉડ્સ અને 177 સ્ટેટીક સર્વેલિયન્સ ટીમની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સરકારી સંસ્થાનો પણ તમામ પરિસ્થિતિ પર બાજનજર રાખી રહ્યા હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
ક્ષીરસાગરે વધુમાં જણાવ્યું હતું કે ઉપનગરમાં ગેરકાયદે વાહનવ્યવહાર, દારૂની હેરાફેરી, અજાણ્યા વાહનોની ઉપાડી જવા જેવી પ્રવૃત્તિઓ જરાય ચલાવી લેવામાં નહીં આવે. અહીં આવતા વાહનો વગેરેની તપાસ માટે 43 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને સાથા સાથે પોલીસ પણ શહેરમાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ કરી રહી છે.