લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં 18 થી 19 વર્ષના મતદારોની સંખ્યામાં વધારો પણ…

મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચે જાહેર કર્યા પછી આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે, ત્યારે ચૂંટણી પંચની સાથે આ જંગમાં ઝંપલાવવા માટે વિવિધ પક્ષોએ તૈયારીઓ હાથ ધરી લીધી છે, ત્યારે મતદારરાજાનું સૌથી મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે. વિવિધ રાજ્યમાં સાત તબક્કામાં યોજાનારી ચૂંટણી પૈકી મહારષ્ટ્રમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ વખતની ચૂંટણીમાં અઢારથી 19 વર્ષના મતદાતાની સંખ્યા વધુ છે, એમ ચૂંટણી પંચના અહેવલામાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં 18 અને 19 વર્ષના યુવા મતદારોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. અઢાર અને ઓગણીસ વર્ષના મતદારોની સંખ્યા 4.5 લાખ જેટલી વધી હોવાનું હાલમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ ઉપરથી જાણવા મળ્યું હતું.
જોકે, આમાંના 75 ટકા મતદારોનું નામ રજીસ્ટર ન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકીય બાબતોની ઓછી સમજ, મત વિસ્તારની માહિતીનો અભાવ તેમ જ મતના કારણે થનારી અસર જેવી બાબતોથી અજાણ હોવાના કારણે ઓછું રજિસ્ટ્રેશન થયું હોવાનું જાણવા મળ્યું છે.
અઢાર અને ઓગણીસ વર્ષના મતદારોની સંખ્યા જાન્યુઆરી 2023માં 6.7 લાખ હતી, જે આજની તારીખમાં વધીને 11.2 લાખ થઇ ગઇ છે. યુવા અને પહેલી વખત મતદાન કરનારાઓને આકર્ષવા માટે તેમ જ તેમના જાગરૂકતા લાવવા માટે સરકાર દ્વારા કોલેજમાં કેમ્પ યોજવા જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોવાના કારણે મતદારોની સંખ્યામાં વધારો થયું હોવાનું જણાય છે.
જોકે, આમાંના મોટા ભાગના યુવા મતદારોની નોંધણી હજી સુધી કરવામાં આવી નથી. રજીસ્ટર્ડ યુવા મતદારોની સંખ્યા રાજ્યમાં યુવા મતદારોની સંખ્યાની સરખામણીમાં ખૂબ ઓછી હોવાનું આંકડાઓ ઉપરથી જાણવા મળ્યું હતું.
રાજ્યની કુલ લોકસંખ્યાના 4.8 ટકા લોકસંખ્યા અઢારથી ઓગણીસ વયજૂથની છે. જોકે આ વય જૂથના કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા રાજ્યની કુલ લોકસંખ્યાના માત્ર 1.2 ટકા જ છે. આ વયજૂથના 45.7 લાખ યુવાનો રાજ્યમાં છે. જોકે તેમાંથી રજિસ્ટર્ડ મતદારો ફક્ત 11.2 લાખ જ છે. એટલે કે 45 ટકા જેટલા યુવાઓએ હજી સુધી મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી નથી.