લોકસભા ચૂંટણીઃ ઉદ્ધવ ઠાકરેના પ્રચાર ગીત સામે ચૂંટણી પંચની લાલ આંખ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર કદાચ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે. કારણ કે ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને તેમના પ્રચાર દરમિયાન વગાડવામાં આવતા ગીત અંગે નોટિસ ફટકારવામાં આવી છે. તેમના પ્રચાર દરમિયાનના ગીતમાં ‘ભવાની’ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
જણાવવાનું રહ્યું કે પ્રચાર માટે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો છે જેમાં ગીત પણ સામેલ છે અને એ ગીતમાં આ શબ્દનો ઉપયોગ થઇ રહ્યો છે. જોકે, ઉદ્ધવ ઠાકરેએ પણ ચૂંટણી પંચની નોટિસ વિશે બોલતા કહ્યું હતું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામના નામે વોટ માગી રહ્યા છે.
તેમણે નરેન્દ્ર મોદીએ પ્રચારસભામાં આપેલા ભાષણનો હવાલો આપતા જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી બજરંગબલીના નામે મતદાન કરવાનું કહી રહ્યા છે અને ગૃહ પ્રધાન રામ લલ્લાના દર્શન કેવા રહ્યા તેવું મતદાતાઓને પૂછી રહ્યા છે, તો ચૂંટણી પંચે સૌપ્રથમ તેમના ઉપર કાર્યવાહી કરવી જોઇએ. આજે આ નેતાઓ રામના નામે મત માગી રહ્યા છે, તો શું હવે નિયમ બદલાઇ ગયા છે કે?, એવો પ્રશ્ર્ન ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યો હતો.
પોતાના વીડિયો અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે અમારું ચૂંટણી ચિહ્ન મશાલ છે અને અમે એક પ્રેરણા ગીત તૈયાર કર્યું છે. તેમાંથી હિંદુ ધર્મ અને ભવાની આ બંને શબ્દ કાઢવાનું અમને જણાવવામાં આવ્યું છે. જોકે, અમે અમારા પ્રચાર ગીતમાંથી આ શબ્દ નહીં હટાવીએ, ચૂંટણી પંચે જે કાર્યવાહી કરવી હોય તે કરે