લોકસભા ચૂંટણી 2024: એનડીએમાં જોડાવાનો ફાયદો, પ્રફુલ્લ પટેલ સામેની સીબીઆઈ તપાસ બંધ
કોઈપણ પુરાવા ન મળ્યા હોવાનું જણાવીને કોર્ટમાં દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સીબીઆઈ દ્વારા એર ઈન્ડિયાના વિમાન લીઝ પર આપવાના કેસમાં કથિત ગેરરીતિઓના કેસમાં સીબીઆઈ દ્વારા કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન પ્રફુલ્લ પટેલ સહિત અન્ય લોકોના નામ આવ્યા હતા. ભ્રષ્ટાચારના આરોપ સિદ્ધ કરવા માટેના કોઈ નક્કર પુરાવા મળ્યા ન હોવાથી ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સીબીઆઈએ 19 માર્ચે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને કોર્ટે 15 એપ્રિલે તપાસ અધિકારીને હાજર રહેવા જણાવ્યું છે. વિશેષ અદાલત નક્કી કરશે કે ક્લોઝર રિપોર્ટને સ્વીકાર કરવો કે પછી એજન્સીને તપાસ આગળ વધારવાનો આદેશ આપવો.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પ્રફુલ્લ પટેલે અજિત પવારની સાથે મળીને એનસીપીમાં ભંગાણની યોજના બનાવી હતી અને મહારાષ્ટ્રની સરકારમાં સહભાગી થઈ ગયા હતા. અજિત પવાર જૂથ સરકારમાં સામેલ થયાના આઠ મહિના બાદ હવે સીબીઆઈ દ્વારા તેમને ક્લિન ચીટ આપી દેવામાં આવી છે.
મે-2017માં સીબીઆઈએ નાગરી ઉડ્ડયન મંત્રાલયના બે અધિકારીઓ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતાં બે ગુના નોંધ્યા હતા. આરોપમાં સરકારને નુકસાન પહોંચાડવાની વાત કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મે-2019માં ઈડીએ એક વિશેષ અદાલતમાં જણાવ્યું હતું કે પ્રફુલ્લ પટેલ મધ્યસ્થ દીપક તલવારના નજીકના મિત્ર છે. દીપક તલવાર પર કથિત રીતે 2008-09માં ખાનગી એરલાઈન્સને લાભ કરાવવા માટે એર ઈન્ડિયાના કાર્ગો માર્ગના વિસ્તરણમાં મદદ કરી હતી.
પ્રફુલ્લ પટેલ અને અજિત પવારે ભાજપ સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો ત્યારે વિપક્ષ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ સીબીઆઈના કેસથી બચવા માટે ભાજપની મહાયુતીમાં સામેલ થયા છે.
શું છે આખો કેસ?
યુપીએના કાર્યકાળમાં એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સનો વિલય કરવામાં આવ્યો હતો. આ બંને કંપનીના વિલિનીકરણ બાદ નેશનલ એવિયેશન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું ગઠન કરવામાં આવ્યું હતું. લીઝ પર વિમાન લેવાના પ્રકરણમાં કથિત રીતે ગેરરીતિઓના આરોપ લાગ્યા હતા. એવો આરોપ છે કે મોટી સંખ્યામાં વિમાનોને ભાડે લેવામાં આવ્યા અને તેમાં થયેલી ગેરરીતિઓને કારણે રાષ્ટ્રીય વિમાન કંપનીને ભારે નુકસાન થયું. એફઆઈઆરમાં એવો આરોપ કરવામાં આવ્યો હતો કે મોટી સંખ્યામાં વિમાનોની ખરીદી અને કેટલાક ઉડ્ડયનો ખાસ કરીને વિદેશી ઉડ્ડયનોમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવા છતાં નાગરી ઉડ્ડયન મંત્રાલય અને વિમાન કંપનીના અધકારીઓએ વિમાનોને લીઝ પર લેવાનો નિર્ણય લીધો. તે સમયે પ્રફુલ્લ પટેલ નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન હતા.