લોકસભા ચૂંટણી વિશેષ: યુવાનોના હાથોમાં છે દુનિયાની સૌથી મોટી લોકશાહીનું ભાવિ
લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે અને મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જે રીતે મતદારોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેના પરથી ભારત આજની તારીખે દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનું સિદ્ધ થાય છે. આખી દુનિયામાં સૌથી વધુ 96.88 કરોડ મતદારો ભારતમાં છે. આ વખતે 1.80 કરોડ નવા મતદારો નોંધાયા છે. વાસ્તવમાં દેશમાં 30 વર્ષથી ઓચી ઉંમરના મતદારોને ધ્યાનમાં લેવામાં આવે તો 21.5 કરોડ મતદારો 30 વર્ષથી નાની ઉંમરના છે અને આ પચીસ ટકા મતદારોના હાથમાં જ દુનિયાની સૌથી મોટી લોકશાહીનું ભાવિ છે.
વસ્તીને આધારે દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવા ઉપરાંત ભારત દુનિયાની સૌથી જૂની લોકશાહી હોવાનું પણ ગૌરવ લઈ શકે છે, કેમ કે લચ્છવી શાસનકાળમાં વૈશાલીમાં લોકશાહી પદ્ધતિ હતી અને તેને દુનિયાની સૌથી જૂની લોકશાહી માનવામાં આવે છે. લોકશાહી વ્યવસ્થામાં ત્યારે કેટલીક સમસ્યાઓ હતી અને આ બધામાંથી પસાર થઈને ભારતની લોકશાહી પરિપક્વ થઈ છે.
લોકસભાની પહેલી ચૂંટણી થઈ ત્યારે ભારતની વસ્તી હતી 36 કરોડની આસપાસ અને મતદારયાદીમાં ફક્ત 17.32 કરોડ લોકો હતા. 2024માં વસ્તી 140 કરોડથી વધુ થઈ ગઈ છે અને મતદારયાદીમાં 96.88 કરોડ મતદારો છે.
ભારતમાં કુલ વસ્તીના 66.76 ટકા લોકો મતદાર છે. 2019ની સરખામણીમાં મતદારોની સંખ્યામાં છ ટકા જેટલો વધારો થયો છે. 3.22 કરોડ પુરુષ મતદારો, 4 કરોડથી વધુ મહિલા મતદારો વધ્યા છે. 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દેશમાં 1.85 કરોડ મતદારો છે, જેમાંથી 2.18 લાખ મતદારો એવા છે જેઓ સેન્ચુરી વટાવી ગયા છે.
અત્યારે લોકશાહી પરિપક્વ થઈ હોવાનું અને યુવાનોના હાથમાં ભાવિ હોવાનું કારણ છે. આજના યુવાનો મતદાન કરવા માટે ઉત્સુક હોવાનું દેખાઈ રહ્યું છે. શનિવારે ચૂંટણીની જાહેરાત થતાં જ પોતાના ઘરે જઈને મતદાન કરવા માટે તત્પર અનેક યુવાનો છે. ફક્ત મતદાન કરવા માટે આ યુવાનો પોતાના ખિસ્સામાંથી ખર્ચો કરવા તૈયાર છે, તેના પરથી જણાઈ રહ્યું છે કે લોકશાહીમાં મતદાનનું મહત્વ યુવાનોને સમજાઈ રહ્યું છે.
રાજકારણનું ગુનેગારીકરણ મોટી સમસ્યા
રાજકારણનું ગુનેગારીકરણ એ આપણા દેશની એક મોટી સમસ્યા હોવાનું છેલ્લા ઘણા વખતથી જોવા મળી રહ્યું છે. હવે ચૂંટણી પંચ આ સમસ્યા પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. ઉમેદવારોએ ગુના કર્યા હોય તો તેની માહિતી આપવાનું ઘણા વખતથી ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે. આ વખતે પણ આવી માહિતી આપવાનું રાજકીય પક્ષોને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કોઈને આપવાને બદલે તે જ ઉમેદવારને ટિકિટ કેમ આપવામાં આવી તે પણ જણાવવું પડશે. જોકે, ચૂંટણી પંચના આ નિર્દેશનું પાલન કેટલા રાજકીય પક્ષો કરે છે તે જોવાનું રહેશે. રાજકારણ સ્વચ્છ હોવું જોઈએ તેમાં ગુનેગારો ન હોવા જોઈએ એવું બધાને લાગે છે. ઈલેક્ટોરલ બોન્ડના અત્યારના વિવાદમાં પણ આવી જ માનસિકતા હોવાનું જણાઈ રહ્યું છે. જે લોકોએ આર્થિક ગુના આચર્યા હોય એવા લોકો પાસેથી ડોનેશન કેવી રીતે લઈ શકાય એવો સવાલ થઈ રહ્યો છે.
ભારતના ચૂંટણી પંચનું અતુલનીય કામ
આપણા દેશમાં ચૂંટણી પંચ જેટલા વ્યાપક સ્વરૂપમાં ચૂંટણી આયોજિત કરે છે તે દુનિયાના વિકસિત દેશો માટે પણ અસંભવ કાર્ય જણાઈ રહ્યું છે. આપણે ત્યાં 10.50 લાખથી વધુ મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવે છે. કેન્દ્રીય પોલીસ દળ અને રાજ્ય પોલીસ દળના અંદાજે 3.40 લાખ જવાનો ચૂંટણીની ડ્યૂટીમાં લાગેલા હોય છે. પંચાવન લાખ ઈવીએમ ઉપયોગમાં લેવામાં આવે છે. આવી જ રીતે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી આયોજિત કરવા માટે આખા દેશનું વહીવટીતંત્ર ચૂંટણી પંચ પોતાના હાથમાં લઈ લેતું હોય છે.