લોકસભા ચૂંટણીઃ થાણે ઝોનમાં 700થી વધુ લાઈસન્સવાળા હથિયાર જમા
મુંબઈ: લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ પોલીસ પ્રશાસન પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી વધી ગઇ છે. થાણે પોલીસ ઝોન 4 હેઠળ આવતાં શહેરોમાં પોલીસની નિયમિત થતી રૂટ માર્ચ, નાકાબંધી અને અન્ય ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
આ સાથે જ પોલીસે ઝોન ચાર હેઠળ અંબરનાથ, ઉલ્હાસનગર અને બદલાપુરનાં આઠ પોલીસ સ્ટેશન હેઠળ રહેતા લોકોના લાઈસન્સવાળાં હથિયારો જમા કર્યાં છે. કુલ 707 હથિયાર જમા થઇ ગયાં છે અને બાકીના પચીસ હથિયાર ભેગાં કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ આચારસંહિતાના ભંગ બદલ 1.46 લાખની સામગ્રી જપ્ત
પોલીસ ઉક્ત વિસ્તારમાનાં ઉલ્હાસનગરનાં ચાર પોલીસ સ્ટેશનમાંથી 304, અંબરનાથનાં બે પોલીસ સ્ટેશનોમાંથી 202 અને બદલાપુરનાં બે પોલીસ સ્ટેશનમાંથી 201 હથિયાર જમા કર્યાં હતાં. પોલીસે એવી ચેતાવણી પણ આપી છે કે જો બાકીનાં હથિયારો સમય પર જમા કરાવવામાં નહીં આવે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા સમય પહેલાં જ ઝોન ચાર હેઠળ આવતા હિલલાઈન પોલીસ સ્ટેશનમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા શિવસેનાના મહેશ ગાયકવાડ પર કરવામાં આવેલા ફાયરિંગ બાદ પોલીસ દ્વારા ઝોન ચારમાં હથિયારોની સમીક્ષા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં પોલીસ પ્રશાસન પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની જવાબદારી હોવાને કારણે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.