લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદેની શિવસેનાએ જાહેર કરી પહેલી યાદી, જાણો કોને મળી ટિકિટ?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પૂર્વ અને પછી દેશમાં મહત્ત્વના પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, ત્યારે મહારાષ્ટ્રમાં આજે એકનાથ શિંદેની શિવસેનાની પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મહાયુતિના મુખ્ય પક્ષમાંના એક એવા એકનાથ શિંદે જૂથની શિવસેના દ્વારા લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મુંબઈની એક બેઠક ઉપર શિંદે જૂથે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે.
દક્ષિણ મધ્ય મુંબઈ ખાતેથી શિવસેનાએ રાહુલ શેવાળેને ઉમેદવારી સોંપી છે. એકનાથ શિંદે જૂથની શિવસેના દ્વારા લોકસભાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી ઉમેદવારીની આ પહેલી જ યાદી છે અને પહેલી યાદીમાં અમુક નામોનો સમાવેશ ન થતા ખરેખર આશ્ચર્ય સાથે રહસ્યનો માહોલ સર્જાયો છે.
આ સિવાય વાશીમ અને યવતમાળ બેઠક ઉપરથી પણ કોઇ ઉમેદવારની જાહેરાત પહેલી યાદીમાં શિંદે જૂથની શિવસેના દ્વારા કરવામાં આવી નથી. થાણે ઉપરાંત કલ્યાણ, યવતમાળ અને વાશિમ એ એકનાથ શિંદેના ગઢ માનવામાં આવે છે. આ ઉપરાંત નાશિક બેઠક પણ શિંદેની શિવસેનાના ફાળે જશે તે લગભગ નક્કી છે.
શ્રીકાંત શિંદે દ્વારા થોડા દિવસ પૂર્વે જ નાશિક બેઠક ઉપરથી હાલના સાંસદ હેમંત ગોડસેની ઉમેદવારી જાહેર કરી હતી. જોકે પહેલી યાદીમાં શિંદે દ્વારા આ બેઠકો ઉપર કોઇ ઉમેદવાર જાહેર ન કરવામાં આવતા આશ્ર્ચર્ય સર્જાયું છે. આ બેઠક ભાજપ અથવા તો રાષ્ટ્રવાદીના ભાગે ગઇ હોવાની ચર્ચા પણ તેના કારણે થઇ રહી છે.
રામટેક બેઠક ઉપરથી હાલના શિંદે જૂથના સાંસદ કૃપાલ તુમાને શિંદેનું પત્તું કપાયું છે. કૃપાલ તમુને શિવસેનાના બે ફાંટા પડ્યા ત્યારબાદ શિંદે જૂથમાં આવ્યા હતા. જોકે, ત્યાંના શિવસૈનિકો ઉદ્ધવ ઠાકરે જૂથ તરફ વળ્યા હતા. જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી હતી.
રામટેક બેઠક શિવસેનાનો ગઢ મનાય છે. સાંસદ કૃપાલ તુમાને આ બેઠક ઉપરથી બે વખત સાંસદ રહ્યા છે. અહીંથી શિંદે જૂથ દ્વારા રાજૂ પારવેને ઉમેદવારી આપવામાં આવે છે. રાજૂ પારવે ઉમરેડના વિધાનસભ્ય છે અને થોડા દિવસ પહેલા જ શિવસેનામાં જોડાયા હતા.
પહેલી યાદીના 8 ઉમેદવાર
રાહુલ શેવાળે – દક્ષિણ-મધ્ય મુંબઈ
સંજય મંડલિક – કોલ્હાપુર
સદાશિવ લોખંડે – શિર્ડી (અનૂસૂચિત જાતિ)
પ્રતાપરાવ જાધવ – બુલઢાણા
હેમંત પાટીલ – હિંગોલી
શ્રીરંગ બારણે – માવળ
રાજૂ પારવે – રામટેક (અનૂસૂચિત જાતિ)
ધૈર્યશિલ માને – હાતકણંગલે