આમચી મુંબઈ

ગોખલે પુલને ખુલ્લો મૂકવા સ્થાનિકોનો મુખ્ય પ્રધાનને પત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ તોડી પાડ્યા બાદ છેલ્લા એક વર્ષથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમાં હવે સુધરાઈએ પુલની એક તરફની લેન ખુલ્લી મુકવાની મુદત ફરી લંબાવીને ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ કરી નાખી છે. તેનાથી ઉષ્કેરાયેલા સ્થાનિક નાગરિકોએ હવે આ મામલે દરમિયાનગીરી કરવા અને પુલ સમયસર ખોલવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને વિનંતી કરી છે.
સ્ટ્રકચરલ ઑડિટમાં જોખમી જાહેર થયા બાદ ગોખલે પુલને નવેમ્બર, ૨૦૨૨માં સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. પુલને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવા માટેની સમયમર્યાદા અનેક વખત લંબાવ્યા બાદ પાલિકાએ દિવાળીમાં પુલની એક તરફની લેન ખોલવાની ખાતરી આપી હતી. જોકે પાલિકા પોતાની મુદત પાળવામાં નિષ્ફળ ગઈ હતી અને હવે આ સમયમર્યાદા લંબાઈને આગામી વર્ષની થઈ ગઈ છે. તેથી લાંબા સમયથી પાલિકાની કાર્યપદ્ધતિ સામે નારાજ રહેલા સ્થાનિક રહેવાસીઓએ ગ્રૂપના લગભગ ૪૫૦ રહેવાસીઓએ મંગળવારે મુખ્ય પ્રધાનને પત્ર લખીને આ મામલે દરમિયાનગીરી કરવાની માગણી કરી હતી.
સ્થાનિક રહેવાસીઓના જૂથે પત્રમાં લખ્યું છે કે પુલ બંધ થવાથી અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમ એમ બંને બાજુએ રહેતા લાખો રહેવાસીઓને તેની અસર થઈ છે. સતત ટ્રાફિક જામને કારણે અમારું દૈનિક જીવન ખોરવાઈ ગયું છે, જેને કારણે પ્રવાસના સમયમાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે, તેને કારણે સ્થાનિક રહેવાસીઓ હતાશ અને તણાવમાં છે. પર્યાવરણને પણ તેની અસર થઈ છે, કારણકે લાંબા સમય સુધી ટ્રાફિકની સમસ્યાને કારણે કાર્બન ડાયોક્સાઈડ પ્રદૂષણમાં વધારો કરી રહ્યું છે. બાળકો સમયસર સ્કૂલે પહોંચી શકતા નથી, તેથી તેમના માતા-પિતા પણ તણાવમાં રહેતા હોય છે. પુલના બાંધકામમાં અનેક જટિલતા હોવાનું સ્વીકાર્ય છે. પરંતુ અસરગ્રસ્ત લોકોની વિશાળ સંખ્યા અને તેમની તકલીફને ધ્યાનમાં રાખીને પુલનું કામ ઝડપથી થાય એવી માગણી છે.
સ્થાનિક રહેવાસીઓને પુલ ખુલ્લો મૂકવાની ફેબ્રુઆરી, ૨૦૨૪ની મુદત પણ લંબાઈ જવાનો ડર છે, તેથી તેઓ હવે આ મુદ્દે મુખ્ય પ્રધાનની દરમિયાનગીરીને આવશ્યક ગણાવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…