લોકલ ટ્રેનના મહિલાઓનાં કોચમાં અડપલા કર્યા તો ગયા કામથી, કારણ કે હવે…
મુંબઈ: મહિલાઓ વિરુદ્ધ થતાં ગુના રોકવા માટે તેમ જ તેમની સુરક્ષા માટે મધ્ય રેલવે (સેન્ટ્રલ રેલવે) દ્વારા ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અમલબજાવણી પૂર્ણ થઇ ચૂકી છે. મધ્ય રેલવેની ઉપનગરીય ટ્રેનોમાં થતી ગુનાખોરી પર લગામ લગાવવા માટે મધ્ય રેલવે હવે આધુનિક પદ્ધતિએ મહિલાઓના ડબ્બામાં નજર રાખશે. આ માટે મહિલાઓના ડબ્બા એટલે કે લેડીઝ કોચમાં સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કેમેરા બેસાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો :મેટ્રો-૩ના ૨૬ સ્ટેશનમાં ઍન્ટ્રી-ઍક્ઝિન, બસ-ટેક્સી-રિક્ષા સરળતાથી મળી એ માટે યોજના
એટલે કે મહિલાઓના ડબ્બામાં થતી બધી જ પ્રવૃત્તિઓ પર હવેથી સુરક્ષાકર્મી-સુરક્ષા અધિકારીઓની નજર રહેશે. જો કોઇ ગુનો બને પણ તો અપરાધીની ભાળ મેળવવી હવે ખૂબ જ સરળ થઇ રહેશે.
સૌપ્રથમ 2015માં ઓક્ટોબર મહિનામાં ચેન્નઇની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ)માં સીસીટીવી કેમેરા ધરાવતા કોચ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ જ વર્ષે આ કોચ મધ્ય રેલવેમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના ડબ્બાઓમાં સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેમાં કુલ 771 લેડીઝ કોચ છે અને તેમાં કુલ 4,626 સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા હોવાનું મધ્ય રેલવેના અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું.
મહિલાઓની સુરક્ષા કાજે…
મહિલાઓના કુલ ડબ્બા: 771
સીસીટીવી કેમેરા: 5,626
એક ડબ્બામાં સીસીટીવી કેમેરાની સંખ્યા: 4થી 8
સીસીટીવી કેમેરાની ક્ષમતા: 25 કલાક વીડિયો રેકોર્ડિંગ
કેટલા દિવસની મેમરી: 30 દિવસ સુધી રેકોર્ડિંગ સ્ટોરિંગ
વિશેષતા: ફેસ રેકોગ્નિશન(ચહેરો ઓળખવાની ટેક્નોલોજી)
સુરક્ષા માટે: જીઆરપી, આરપીએફ, હોમગાર્ડ અને એમએસએ