ભાજપનો ‘અબ કી બાર 70 પાર’નો નારો…

થાણેમાં સંઘર્ષ વચ્ચે સિનિયર નેતાનું નિવેદન, અમે યુતિ તોડવા માગતા નથી: વિધાનસભ્ય બોલ્યા અમારી તાકાત વધારે, એકલા લડીશું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આ વર્ષના અંત પહેલાં લેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે રાજકીય પક્ષો પોતાના ગણિત બેસાડી રહ્યા છે ત્યારે ભાજપે ગુરુવારે મુંબઈ અને થાણેમાં ઉમેદવારો માટે જે માર્ગદર્શન શિબિરો લીધી તેનું વાતાવરણ જોતાં એવું લાગી રહ્યું છે કે શિવસેનાની જેમ જ હવે ભાજપમાં પણ સ્વબળનો નારો જોર પકડી રહ્યો છે. જ્યારે બીજી તરફ સિનિયર નેતાઓ અને પક્ષનું મોવડીમંડળ હજી પણ યુતિ તોડવા માગતા નથી એવી વાત કરી રહ્યા છે.
ગુરુવારે, ભાજપના ઉમેદવારો માટે એક માર્ગદર્શન શિબિરમાં કેટલાક પદાધિકારીઓએ એવી જાહેરાત કરી હતી કે ‘અબ કી બાર 70 પાર’ કરીશું. આ પહેલાં બુધવારે શિવસેનાની બેઠકમાં પણ ભૂતપૂર્વ કોર્પોરેટરો અને અધિકારીઓએ ‘એકલા ચલો રે’નું વલણ અપનાવ્યું હતું.
ભાજપના વિધાનસભ્ય સંજય કેળકરે બે દિવસ પહેલા જણાવ્યું હતું કે થાણેના કાર્યકરો સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માંગે છે. ‘જ્યાં તાકાત છે, ત્યાં આપણે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવી જોઈએ. આ શહેરના મેયર આપણા જ હોવા જોઈએ અને તે આપણા કાર્યકરોની ભૂમિકા છે.’ આ નિવેદનથી શિવસેનામાં ખળભળાટ મચી ગયો.
આ પછી, પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટરો અને અધિકારીઓએ તાત્કાલિક આનંદાશ્રમ ખાતે એક બેઠકનું આયોજન કર્યું. શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ સભાનું માર્ગદર્શન કર્યું હતું. આ બેઠકમાં સ્વબળે મ્યુનિસિપલ ચૂંટણી લડવાનો નારો લગાવવામાં આવ્યો હતો. સાંસદ નરેશ મ્હસ્કેએ ભૂતપૂર્વ કોર્પોરેટરો અને શિવસેનાના અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આનાથી, ભવિષ્યમાં મહાયુતિમાં વિખવાદ વધવાની શક્યતા છે.
અમે ગઠબંધન તોડવાના નથી: ભાજપ
ઓરિએન્ટેશન કેમ્પ પછી ભાજપના થાણે જિલ્લાના પ્રમુખ સંદીપ લેલેએ કહ્યું હતું કે મહાયુતિ રાજ્ય અને કેન્દ્ર સ્તરે સત્તામાં છે અને થાણેમાં પણ સત્તામાં સાથે જ રહેવાનો અમારો ઈરાદો છે. શિવસેનાના નેતાઓએ પહેલાથી જ કહ્યું છે કે તેમને 85 ભૂતપૂર્વ કોર્પોરેટરોનો ટેકો છે. તેથી, આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
જો તેમની પાસે 85 ભૂતપૂર્વ કોર્પોરેટરો છે, તો ભાજપના 24 ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથે, કોર્પોરેટરોની કુલ સંખ્યા 109 છે. બાકીના ભાજપના કાર્યકરો માટે શું કરવું જોઈએ તે એક મહત્વપૂર્ણ મુદ્દો છે, અમે ગઠબંધન તોડવાના નથી. તેના બદલે, અમને ચિંતા છે કે પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કાર્યને પણ માન્યતા આપવામાં આવે. બધા ઉમેદવારોને તેમના ઓળખપત્ર ભરવાનું કહેવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના સ્થાનિક વિધાનસભ્યો સંજય કેળકર અને નિરંજન દાવખરે પણ હાજર હતા.
આ પણ વાંચો…મહાયુતિમાં 18 મનપામાં ભંગાણ પાક્કું