ઘાટકોપરમાં કચ્છી યુવકની હત્યાનું કારણ બની અંધેરીના ફ્લેટ સામે લીધેલી લોન
ઘાટકોપરના હેડક્વૉર્ટર રેસ્ટો-બારના મેનેજર અને વેઇટરોએ મારપીટ કરતાં હર્ષ લાલનનું મૃત્યુ થયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઘાટકોપર પૂર્વના બારમાં પિતા સાથે કામ નિમિત્તે ગયેલા ૩૦ વર્ષના કચ્છી યુવક હર્ષ કિરણ લાલનની બારના મેનેજર અને સ્ટાફે બેરહેમીથી મારપીટ કરતાં તેનું મોત થયું હતું. પંતનગર પોલીસે આ પ્રકરણે ગુનો નોંધીને બાર મેનેજર સહિત નવ જણની ધરપકડ કરી હતી. અંધેરીનો ફ્લેટ ગિરવે મૂકી લેવાયેલી લોન હર્ષની હત્યાનું કારણ બની હોવાનું જાણવા મળ્યું હતું.
પંતનગર પોલીસે આ કેસમાં ધરપકડ કરેલા નવ જણમાં બાર મેનેજર સંતોષ શેટ્ટી સહિત શાહીદ અન્સારી, પુરુસ્વામી ગૌડા, ભગવાન સિંહ, સોહેલ ઉર્ફે શેખ અમીન હુસેન, સુનીલ કુમાર રૂવાની, રાજેશ યાદવ, અમર પાટીલનો સમાવેશ છે. તમામને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેમને ૩૧ જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘાટકોપર પૂર્વમાં ૯૦ ફીટ રોડ પર આવેલા હેડક્વૉર્ટર રેસ્ટો-બારમાં શનિવારે રાતે આ ઘટના બની હતી. અંધેરી પૂર્વમાં ઓલ્ડ નાગરદાસ રોડ પર રત્ન તરંગ સોસાયટીમાં રહેતા કિરણ જયંતીભાઇ લાલન (૬૦) શનિવારે સાંજના પુત્ર હર્ષ સાથે ઘાટકોપરના હૅડક્વૉર્ટર રેસ્ટો-બારમાં સંતોષ શેટ્ટીને કામ નિમિત્તે મળવા આવ્યા હતા. કિરણભાઇ અને સંતોષ શેટ્ટી એકબીજાને ઓળખતા હોઇ કિરણભાઇ અગાઉ પણ ઘણી વાર શેટ્ટીમાં મળવા માટે બારમાં આવ્યા હતા.
શનિવારે સાંજના પિતા-પુત્રએ બારમાં આવ્યા બાદ શેટ્ટીને કૉલ કર્યો હતો, પણ તેણે રિસિવ કર્યો નહોતો. તેમણે શેટ્ટીની ઘણા સમય રાહ જોઇ પણ તે આવ્યો નહીં. આથી કંટાળીને હર્ષે રાતના ૧૦ વાગ્યે બારના કૅશ કાઉન્ટર પર જઇને મેનેજરને શેટ્ટી વિશે પૂછપરછ કરી હતી. આથી રોષે ભરાયેલા મેનેજરે હર્ષને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. બાદમાં મેનેજર, વેઇટરો તથા ત્યાંનો સ્ટાફ હર્ષની મારપીટ કરવા લાગ્યો હતો. પુત્રને બચાવવા માટે કિરણભાઇ વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમને માથામાં ઇજા થઇ હતી. દરમિયાન સારવાર લીધા બાદ પિતા-પુત્ર રાતે અંધેરી પાછા ફર્યા હતા. હર્ષની કરાયેલી મારપીટને કારણે તેનું શરીર દુખતું હતું. બીજે દિવસે સવારે કિરણભાઇએ હર્ષને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે જાગ્યો નહોતો. બેભાન અવસ્થામાં હર્ષને કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. માથામાં ઇજાને કારણે હર્ષનું મૃત્યુ થયું હતું, એમ ડોક્ટરોએ જણાવ્યું હતું.
પંતનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવલેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સંતોષ શેટ્ટી અને ફરિયાદી વચ્ચે વ્યાવસાયિક કરાર હતો. ફરિયાદી અંધેરી વિસ્તારમાં ફ્લેટ ધરાવે છે અને લોન લેવા માટે ફ્લેટને ગિરવે મૂકવામાં સંતોષે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. લોન મંજૂર થયા બાદ પૈસા સંતોષે પોતાની પાસે રાખ્યા હતા અને ફરિયાદીને દ૨રોજ બેથી ત્રણ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે સંતોષ પાસેથી પૈસા ન આવતાં અને ફરિયાદીના ફોનનો જવાબ આપવાનું બંધ કરતાં ફરિયાદી તેના પુત્ર સાથે શનિવારે સંતોષને મળવા બારમાં આવ્યો હતો, એમ ફરિયાદીએ અમને જણાવ્યું હતું.