મુંબઈની કેઇએમ હૉસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ શરૂ થશે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી
મુંબઈ: મુંબઈ મહાપાલિકાની કેઇએમ હૉસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ ફરી લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી શરૂ કરવામાં આવી છે. આ સર્જરી માટે હૉસ્પિટલમાં આઠ આઇસીયુ બેડની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. કેઇએમ હૉસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવતી લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી વિશે વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મહાપાલિકાની કેઇએમ હૉસ્પિટલમાં કોવિડને લીધે આ સુવિધાને બંધ કરવામાં આવી હતી, જેથી ગયા ત્રણ વર્ષથી હૉસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી નહોતી.
આરોગ્ય અધિકારીએ આ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે કેઇએમ હૉસ્પિટલને આપવામાં આવેલા લીવર ટ્રાન્સપ્લાન્ટનું લાઈસેન્સ પણ સમાપ્ત થઈ ગયું હતું. હૉસ્પિટલ પ્રશાસન દ્વારા આ લાઈસન્સને રિન્યુ કરવામાં આવ્યું છે, જેથી લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને ફરી શરૂકરવામાં આવવાની છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ શરૂકરવા માટે કેઇએમ હૉસ્પિટલમાં ડૉક્ટરની પણ નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીઓને આઇસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે, જેથી હૉસ્પિટલમાં નવા આઇસીયુ વોર્ડ બનાવવાની સાથે બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવતા બે અઠવાડિયામાં આઇસીયુ વોર્ડ બનીને તૈયાર થઈ જશે, અને આગામી સમયમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને શરૂકરવામાં આવશે, જેથી દર્દીઓને મોટી રાહત મળશે.
એક અધિકારી એ જણાવ્યું હતું કે હિપેટોલોજી અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરી વિભાગના ડૉક્ટરો પણ લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરશે. સૂત્રોએ માહિતી આપી હતી કે હાલમાં મુંબઈમાં ૪૪ દર્દીઓ લીવર ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. કેઇએમમાં ટ્રાન્સપ્લાન્ટની સેવા શરૂ થતાં બાદ ૨૩ દર્દીઓના લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. લીવર ટ્રાન્સપ્લાન્ટની સેવાઓ બંધ થતાં પહેલા કેઇએમ હૉસ્પિટલમાં ૧૯ લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવી હતી.