ભાડું નકારતા રિક્ષા, ટેક્સી ડ્રાઈવરોનું લાઇસન્સ સસ્પેન્ડ

મુંબઇ: રિક્ષા, ટેક્સી ડ્રાઈવરો દ્વારા ભાડું નકારવું, મુસાફરો સાથે ગેરવર્તણૂક, ઓવરચાર્જિંગ જેવા કિસ્સાઓ મુંબઈગરા માટે સામાન્ય છે. આ પ્રકારની ઘટનાને રોકવા માટે આરટીઓએ મુસાફરોને ફરિયાદ કરવા માટે વોટ્સએપ નંબર અને ઈ-મેલ આપ્યા છે. તેમાં છેલ્લા ચાર મહિનામાં ૧,૩૧૭ ફરિયાદો મળી છે, જેમાં વડાલા આરટીઓમાં ૫૪૯ ફરિયાદોનો સમાવેશ થાય છે, જેમાંથી ૪૮૫ રિક્ષા અને ટેક્સી ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુસાફરો સાથે ગેરવર્તન કર્યું હોવાનું ધ્યાને આવતાં વડાલા આરટીઓએ સંબંધિત રિક્ષા અને ટેક્સી ચાલકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમજ મુસાફરોને આ રોજીંદી પરેશાનીમાંથી મુક્તિ આપવા ૯૧૫૨૨૪૦૩૦૩ વોટ્સએપ નંબર, mh03autotaxicomplaint@gmail.com ઈ-મેલ જુલાઈ ૨૦૨૩થી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેને મુસાફરોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. મુસાફરો દરરોજ તેની ફરિયાદો નોંધાવી રહ્યા છે.
જુલાઈથી નવેમ્બર ૨૦૨૩ સુધીમાં તેમાં ૫૪૯ ફરિયાદો નોંધાઈ છે. જેમાંથી ૪૫૬ ફરિયાદો રિક્ષા અને ૯૩ ફરિયાદ ટેક્સી સંબંધિત હતી. વડાલા આરટીઓ તમામ ફરિયાદોનું નિરાકરણ કરી વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહી છે. ૫૪૯ લાઇસન્સધારકોને ‘કારણ બતાવો’ નોટિસ આપવામાં આવી છે અને કુલ ૪૮૫ ના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.