IIT બોમ્બેના કેમ્પસમાં ફરતો જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
મુંબઇઃ પવઇ ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે દેશની જાણીતી ટેક્નિકલ શિક્ષણ આપનારી સંસ્થાઓમાંની એક છે. હાલમાં અહીંના કેમ્પસનો એક વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. આ વીડિયોમાં કેમ્પસ પરિસરમાં એક દીપડો ફરી રહેલો જોવા મળ્યો છે. દીપડો કેમ્પસના પરિસરમાંથી પસાર થતો જોવા મળ્યા પછી પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. આઈઆઈટી પવઇ કેમ્પસમાં દીપડો જોવા મળતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો, જ્યારે અહીંના વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે.
જોકે, IIT પવઇ કેમ્પસમાં દીપડો જોવા મળવાની ઘટના કંઇ સાવ નવી નથી. આ પહેલા પણ અહીં દીપડો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે દીપડો કે ચિત્તા જેવા પ્રાણીઓ નિશાચર હોય છે. તેઓ દિવસ દરમિયાન ઝાડીઓમાં છુપાયેલા રહે છે અને રાતના સમયે ખોરાક, પાણીની શોધમાં બહાર નીકળતા હોય છે. તેઓ મોટા ભાગે ડુંગરાળ અને લીલાછમ વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતા હોય છે. આ વખતે તો આઇઆઇટીમાં દિવસ દરમિયાન દીપડો જોવા મળ્યો હતો એટલે લોકો વધારે ચિંતિત છે.
આઇઆઇટી પવઇનું નિર્માણ 1958માં કરવામાં આવ્યું હતું. એ સમયે આઇઆઇટીનું નિર્માણ કરવા માટે સરકારે પવઇ ખાતે 550 એકર જમીન ફાળવી હતી. ત્યાર બાદ યુનેસ્કો અને સોવિયેત યુનિયન (હાલનું રશિયા)ની સહાયથી આઇઆઇટી પવઇનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ સમયે આઇઆઇટી પવઇનો વિસ્તાર જંગલ જેવો અવાવરૂ હતો. રાતના સમયે લોકો રસ્તા પર નીકળવાનું ટાળતા હતા. આજુબાજુ દૂર દૂર સુધી રહેવાસી વિસ્તારો પણ નહોતા, પણ જેમ જેમ વસતી વધવા લાગી તેમ તેમ રહેણાંક વિસ્તારો માટે જમીન ફાળવવામાં આવા લીલાછમ જંગલ વિસ્તારોનો ભોગ લેવાયો છે. હાલના તબક્કે અત્યારે તો આ પરિસરની આસપાસ વિશાળ ગગનચુંબી ઇમારતો ઊભી થઇ ગઇ છે.
આ પણ વાંચો : કોંગ્રેસ અને ભાજપમાં શું તફાવત છે? રાહુલ ગાંધીએ IIT વિદ્યાર્થીઓના પ્રશ્નોના આવા જવાબ આપ્યા
સામાન્ય રીતે દીપડાઓ માણસોની સામે નથી આવતા. વાહનો કે માણસોને જોઇને તેઓ છુપાઈ જતા હોય છે, જંગલી નિશાચર પ્રાણીઓના રહેઠાણ પર સ્થાનિક વસાહતોનું પ્રમાણ વધ્યું છે, તેથી આવા પ્રાણીઓને ભૂખ, તરસ લાગતી હોવાથી ગમે ત્યારે સમયે શિકારની શોધમાં બહાર નીકળતા હોય છે અને ક્યારેક કેમેરામાં પણ કેદ થઇ જતા હોય છે.