આમચી મુંબઈમનોરંજન

ફિલ્મ સિટીમાં દીપડાનો ‘આતંક’: સિને વર્કર્સની સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ

મુંબઈઃ હાલમાં જ આવેલી ‘છાવા’ ફિલ્મમાં હીરો ખતરનાક સિંહ સામે બાથ ભીડતા દેખાય છે. પરંતુ અત્યારે રિલને બદલે રિયલમાં ફિલ્મ સિટીમાં દીપડાએ મચાવેલા આતંકથી ફિલ્મ સિટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ૫ માર્ચના રાતના ૮ વાગ્યે, ટીવી સિરિયલ “પોકેટ મેં આસમાન”ના સેટની અંદર એક ચિત્તો ફરતો જોવા મળ્યો હતો, જે ફિલ્મસિટીમાં દીપડાના જોખમનું તાજું ઉદાહરણ છે.

આ કોઈ એકમાત્ર ઘટના નથી, દીપડાઓ ઘણી વાર ફિલ્મ સિટીમાં ફરતા જોવા મળ્યા છે. દિવસના અજવાળામાં પણ દીપડા શૂટિંગ સેટમાં ઘૂસી જાય છે અને લોકો પર હુમલો કરે છે. ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને આ મુદ્દો મહારાષ્ટ્ર સરકાર સમક્ષ વારંવાર ઉઠાવ્યો છે, અને તેને રાજ્યની વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો છે. આ બાબતની ઉચ્ચ કક્ષાએ કબૂલાત કરવામાં આવી હોવા છતાં દીપડાના હુમલાને રોકવા સરકાર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો: રોજ રાતે દીપડાઓના પરિવાર વચ્ચે ઊંઘે છે આ ફોરેસ્ટ ગાર્ડ, વીડિયો જોઈલો…

ફિલ્મસિટીમાં દરરોજ લગભગ ૧૦૦થી ૨૦૦ શૂટિંગ સેટ હોય છે, જ્યાં હજારો કર્મચારીઓ, ટેકનિશિયન, જુનિયર કલાકારો અને કલાકારો તેમની આજીવિકા કમાય છે. ભારતના મનોરંજન ઉદ્યોગ અને અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા આ લોકો સરકારની બેદરકારીને કારણે દરરોજ પોતાનો જીવ જોખમમાં મુકવા મજબૂર છે. ભય વાસ્તવિક છે, અને પરિણામો ઘાતક હોઈ શકે છે.

અનેક અપીલો છતાં મહારાષ્ટ્ર સરકારે આ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈ નક્કર યોજના રજૂ કરી નથી. એવી માંગ ઉઠી છે કે જો ફિલ્મસિટીમાં સુરક્ષા આપવામાં સરકાર અસમર્થ હોય તો શહેરની બહાર ફિલ્મસિટીનું નિર્માણ કરવું જોઈએ. ભારતીય ફિલ્મ ઉદ્યોગ વાર્ષિક રૂ. ૨ લાખ કરોડથી વધુની આવક પેદા કરે છે, તેમ છતાં આ વિશાળ ઉદ્યોગની અવગણના થઇ રહી છે.

આ પણ વાંચો: નાગપુરમાં આકાર લઇ રહી છે મેગા ફિલ્મ સિટી

ભારતીય સીને વર્કર્સ સંગઠને ફરી એકવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, સંસ્કૃતિ પ્રધાન આશિષ શેલાર અને શ્રમ પ્રધાન આકાશ ફુંડકરને પત્ર લખીને તેમને ફિલ્મસિટીમાં દીપડાના આતંકને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.

સંગઠને આ મુદ્દો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનું પણ નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે સિને કામદારોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે ચૂપ બેસીશું નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button