આમચી મુંબઈ

થર્ટી ફર્સ્ટને કારણે મુંબઈ પોલીસના જવાનોની રજા રદ

પેરા ગ્લાઈડિંગ પર પ્રતિબંધ, રેલવેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મુંબઈ: મુંબઈમાં નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે પર્યટન સ્થળો પર લોકોની ભારે ભીડ હોય છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ દુર્ઘટના ન બને તે માટે મુંબઈ પોલીસને એલર્ટ રાખવામાં આવ્યું છે, જ્યારે 2024 અને થર્ટીફસ્ટની ઉજવણી દરમિયાન મુંબઈની સુરક્ષા માટે દરેક પોલીસ કર્મચારીઓની રજાઓને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, મુંબઈની લાઈફલાઈન સમાન રેલવે પોલીસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસ પ્રશાસન દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 31 ડિસેમ્બરની રાતે મુંબઈના રસ્તાઓ અને પર્યટન સ્થળો પર ભારે ભીડ હોવાથી તે વિસ્તારમાં પોલીસ તહેનાત કરવામાં આવશે.

મુંબઈની સુરક્ષા માટે 22 ડીસીપી, 45, એસીપી, 205 પોલીસ અધિકારી અને 11500 પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવવાના છે. આ સાથે એસપીએફ પ્લાટૂન, ક્વીક એક્શન ટીમ, આરપીએફ અને હોમ ગાર્ડના જવાનોની પણ રજાઓ રદ કરવામાં આવી છે. આ દરેક પોલીસના જવાનો થર્ટીફસ્ટની રાતે ડ્યૂટી પર હાજર રહેશે.

મુંબઈમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રોન હુમલો થવાની માહિતીને લઈને શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ડ્રોન હુમલાને ધ્યાનમાં રાખી શહેરમાં પૈરા ગ્લાઇડિંગ જેવી એક્ટિવિટી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે 20 ડિસમ્બર 2023થી 18 જાન્યુઆરી 2024 દરમિયાનના 30 દિવસના સમયગાળામાં શહેરમાં ડ્રોન, રિમોટથી ચાલતા વિમાન, પૈરા ગ્લાઇડિંગ, પૈરા મોટર, હેન્ડ ગ્લાઇડર અને હોટ એર બલૂન જેવી રમતો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારની રમતો વડે શહેરમાં આતંકવાદી હુમલો થવાની શક્યતા હોવાની આ દરેક એક્ટિવિટીને બંધ રાખવાનો આદેશ મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને મુંબઈ સબર્બન રેલવેમાં વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવવામાં આવશે. રવિવારે થર્ટી ફર્સ્ટની ઉજવણીને કારણે મોટા ભાગના લોકો ઘરની બહાર મુંબઈ સહિત પરાના વિસ્તારમાં ફરવા નીકળશે, તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવશે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.

પશ્ચિમ અને મધ્ય રેલવેની ત્રણેય લાઈનમાં મોડી રાત સુધી લોકલ ટ્રેનોને દોડાવવામાં આવશે, ત્યારે રાતના પ્રવાસીઓને અવરજવરને ધ્યાનમાં રાખીને ત્રણેય કોરિડોરમાં વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવશે. પશ્ચિમ રેલવેમાં આઠ અને મધ્ય રેલવેની મેઈન લાઈન સહિત હાર્બર લાઈન મળીને ચાર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ), જીઆરપી (ગર્વમેન્ટ રેલવે પોલીસ), હોમગાર્ડ સહિત સ્પેશિયલ ફોર્સને રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટીના કરવાનો આદેશ આપ્યો છે. જીઆરપીના જવાન અને સિનિયર અધિકારીઓને તહેનાત રહેવાનો આદેશ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button