મરાઠા સમુદાય માટે અનામતનો વિરોધ કરનાર વકીલના ઘરની બહાર પોલીસ સુરક્ષા વધારાઇ

મુંબઈ: અનામતની માગણી માટે કાર્યકર્તા મનોજ જરાંગેના આમરણ ઉપવાસનો વિરોધ કરનારા વકીલ ગુણરત્ન સદાવ્રતેના પરેલ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનની બહાર મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે.
જરાંગેએ શુક્રવારે સવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત મુદ્દે ઉપવાસ શરૂ કર્યા હતા. જરાંગેના સમર્થકો તેમ જ મરાઠા સમુદાયના લોકો મોટી સંખ્યામાં મુંબઈમાં, ખાસ કરીને આંદોલનના સ્થળની આસપાસ એકઠા થયા હતા.
જરાંગેએ આંદોલનની ઘોષણા કર્યા બાદ વકીલ સદાવર્તેએ વિરોધ કર્યો હતો. મુંબઈમાં જરાંગેની ભૂખ હડતાળની પરવાનગીનો પણ વિરોધ કર્યો હતો અને રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી), મુંબઈના પોલીસ કમિશનર અને જાલના જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને પણ આ અંગે સંબંધમાં પત્ર લખ્યા હતા. સદાવર્તે આ સંદર્ભે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
હાઇ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર પોલીસે જરાંગેને આઝાદ મેદાનમાં આંદોલન કરવાની પરવાનગી આપી છે, જ્યાં વિવિધ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા.
સદાવર્તેને મરાઠા આંદોલનકર્તાઓનો સામનો કરવો પડી શકે છે એ જોતા પોલીસે પરેલના તેમના નિવાસસ્થાન બહાર ગુરુવાર સાંજથી સુરક્ષા વધારી દીધી હતી. સદાવર્તેનું નિવાસસ્થાન ભોઇવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છે.
અગાઉ ઑક્ટોબર, 2023માં મરાઠા ક્રાંતિ મોરચાના આંદોલનકર્તાઓએ મરાઠા અનામતનો વિરોધ કરવા બદલ સદાવર્તેના વાહનોની તોડફોડ કરી હતી.
(પીટીઆઇ)
આ પણ વાંચો…મનોજ જરાંગેએ સરકારને કહ્યું મને મેનેજ કરી શકાશે નહીંઃ આજે સાંજે સરકાર સાથે મુલાકાત