‘સલમાન, દાઉદની મદદ કરે તો હિસાબ ચુકતે કરીશું’: બિશ્નોઈ ગેંગની પોસ્ટથી પોલીસ હરકતમાં
મુંબઈ: બાબા સિદ્દિકીની ચકચારજનક હત્યા બાદ આ હત્યા પાછળ લૉરેન્સ બિશ્ર્નોઇ ગેંગનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેનું કારણ છે એક સોશિયલ મીડિયા પોસ્ટ. સોશિયલ મીડિયા પર શબ્બુ લોણકર નામના એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તે લૉરેન્સ બિશ્નોઇ ગેંગનો માણસ હોવાનું અને આ જ ગેંગ દ્વારા સિદ્દિકીની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
હવે પોલીસ શું આ ફેક એટલે કે નકલી એકાઉન્ટ છે કે પછી ખરેખર આ વ્યક્તિ લૉરેન્સ બિશ્નોઇ ગેંગની છે તેમ જ શું ખરેખર આ દાવો સાચો છે કે નહીં, તેની તપાસમાં લાગી ગઇ છે.
પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ઓમ જય શ્રી રામ, જય ભારત. અમે જીવનનું મૂલ્ય સમજીએ છીએ અને શરીર તેમ જ ધનને ધૂળ સમાન માનીએ છીએ. અમે જે કર્યું તે સત્કર્મ હતું. અમે મૈત્રીધર્મનું પાલન કર્યું છે. સલમાન ખાન, અમને આ લડાઇ નહોતી જોઇતી, પરંતુ તે અમારા ભાઇને નુકસાન પહોંચાડ્યું છે. જે બાબા સિદ્દિકીની ચર્ચા થઇ રહી છે તે એક વખતે સલમાન ખાન સાથે મકોકા(મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) કાયદામાં નોંધાયેલા ગુનામાં સહભાગી હતો.
અનુજ થાપન, દાઉદ ઇબ્રાહિમને બોલીવુડ સાથે જોડવા બદલ અને પ્રોપર્ટીના સોદાઓ માટે તેની હત્યા કરવામાં આવી છે. અમારી કોઇની સાથે દુશ્મનાવટ નથી, પણ જે લોકો સલમાન ખાન અને દાઉદ ગેંગની મદદ કરશે તે લોકોનો હિસાબ ચુકતો કરવામાં આવશે. અમારા ભાઇઓને મારશો તો તેનો બદલો લેવામાં આવશે જ. અમે ક્યારેય મહિલાઓને નુકસાન પહોંચાડ્યું નથી. જય શ્રી રામ, જય ભારત, શહીદોને સલામ.