હત્યાનો દોષી આપશે લૉની પરિક્ષા! હાઇ કોર્ટે તાત્પુરતા જામીન મંજૂર કર્યા
મુંબઈ: મહારાષ્ટ્ર કોમન એન્ટ્રેન્સ ફોર લૉ એટલે કે લૉની પરિક્ષા આપવા માટે બોમ્બે હાઇ કોર્ટે એક હત્યાના દોષીને તાત્પુરતા જામીન આપ્યા હતા. 30 મેના રોજ યોજાનારી આ પરિક્ષા માટે બોમ્બે હાઇ કોર્ટે 29 વર્ષના સોહેલ સલીમ અન્સારી નામના હત્યાના ગુનેગારને તાત્પુરતા જામીન આપ્યા હતા.
જસ્ટિસ એન.આર.બોરકર અને જસ્ટિસ સોમશેખર સુંદરસેનની વેકેશન બેન્ચે હત્યારા સોહેલ સલીમ અન્સારીને એક અઠવાડિયા માટે 15,000 રૂપિયાના જામીન પર મુક્ત કર્યો હતો.
31મી તારીખે સોહેલે ફરી પાછો તે જે જેલમાં કેદ છે તે પૈઠણ ઓપન જેલમાં પોતાની હાજરી નોંધાવવી પડશે. આ શરતે તેને જામીન આપવામાં આવ્યા છે.
બાવીસમી મેના રોજ સોહેલે પોતાના વકિલ મારફત વેકેશન બેન્ચ સમક્ષ પોતાની વયને ધ્યાનમાં રાખી તેમ જ પરિક્ષા આપવાની ઇચ્છા વ્યક્ત કરીને જામીનની અરજી કરી હતી. જેલમાં પોતાની સારી વર્તણૂંકને ધ્યાનમાં લઇને ફર્લોની માગણી કરતી અરજી સોહેલે પોતાના વકિલ શબ્બીર મારફત કરી હતી.
2014માં મલાડ ઇસ્ટમાં એક જણની તલવારના ઘા ઝીંકીની હત્યા કરવા બદલ સોહેલને દોષી ઠેરવવામાં આવ્યો છે.