આમચી મુંબઈ

ભાષા વિવાદ: રાજ-ઉદ્ધવે મુંબઈમાં પાંચમી જુલાઈએ ‘વિજય’ રેલીનું સંયુક્ત આમંત્રણ આપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ત્રિભાષા નીતિ પાછી ખેંચવાના નિર્ણય બાદ શિવસેના (યુબીટી) અને મનસેએ મંગળવારે ‘મરાઠી વિજય દિવસ’ ઉજવવા માટે પાંચમી જુલાઈના રોજ મુંબઈમાં સંયુક્ત રેલીનું જાહેર આમંત્રણ જારી કર્યું છે. ‘મરાઠીચા આવાઝ’ નામના સંયુક્ત આમંત્રણમાં, જે આ કાર્યક્રમની પ્રથમ સત્તાવાર જાહેરાત છે, તેમાં રાજ્યની ગ્રાફિક છબી સિવાય કોઈ પક્ષનું પ્રતીક કે ધ્વજ નથી. તેમાં પિતરાઈ ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના નામ યજમાન તરીકે ઉલ્લેખિત છે.
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મંગળવારે જણાવ્યું હતું કે, તેમના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે રેલીમાં હાજરી આપશે.

લગભગ બે દાયકામાં પ્રથમ વખત બંને પિતરાઈ રાજકીય કાર્યક્રમમાં એકસાથે જોવા મળશે. મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી પાંચમા સુધી હિન્દી ભાષા દાખલ કરવાના વધતા વિરોધનો સામનો કરી રહેલા રાજ્ય કેબિનેટે રવિવારે ત્રણ ભાષાની નીતિના અમલ અંગેના બે જીઆર (સરકારી આદેશો) પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ જાહેરાત પછી તરત જ, રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસે અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી)એ કહ્યું કે જીઆર વિરુદ્ધ પાંચમી જુલાઈએ આયોજિત વિરોધ કૂચ રદ કરવામાં આવી છે.

જોકે, ઉદ્ધવ ઠાકરેએ પછી કહ્યું હતું કે, પાંચમી જુલાઈએ ‘મરાઠી માણસોની એકતાનો વિજય’ ઉજવવા માટે એક કાર્યક્રમ યોજાશે.
સંયુક્ત આમંત્રણ ‘મરાઠી બહેનો અને ભાઈઓ’ને સંબોધવામાં આવ્યું છે અને રેલીને મરાઠી ગૌરવ અને એકતાની ઉજવણી તરીકે વર્ણવવામાં આવી છે. ‘શું અમે સરકારને નમવા મજબૂર કરી? હા! આ ઉજવણી તમારી રહેશે અને અમે ફક્ત તમારા વતી લડી રહ્યા હતા,’ એમ આમંત્રણના સંદેશામાં કહેવામાં આવ્યું છે.

રેલી પાંચમી જુલાઈએ સવારે 10 વાગ્યે વરલીના એનએસસીઆઈ ડોમ ખાતેથી શરૂ થશે, એમ તેમાં જણાવાયું છે. રાજ્યમાં આગામી પાલિકા ચૂંટણીઓ પહેલા તેમના પક્ષો હાથ મિલાવશે તેવી અટકળો વચ્ચે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું સ્ટેજ શેરિંગ એક મહત્ત્વપૂર્ણ ઘટના બની રહેશે અને તે બંને પિતરાઈ ભાઈઓ દ્વારા શક્તિ અને પ્રાદેશિક ગૌરવનું પ્રદર્શન બની રહેવાની અપેક્ષા છે.
આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ આયોજનમાં સામેલ છે.
શિવસેના (યુબીટી) તરફથી સંજય રાઉત, અનિલ પરબ અને વરુણ સરદેસાઈને કાર્યક્રમનું આયોજન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જ્યારે મનસેએ તેના નેતાઓ બાલા નાંદગાંવકર, અભિજીત પાનસે, સંદીપ દેશપાંડે અને નીતિન સરદેસાઈને જવાબદારી સોંપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button