લાલુ પ્રસાદ યાદવની મુંબઈમાં કરાવાઈ એન્જિયોપ્લાસ્ટી, તબિયત સ્થિર
મુંબઈ: બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમ જ આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના તબિયત લાંબા સમયથી ખરાબ છે અને સારવાર માટે તેમણે મુંબઈની એક હૉસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ પહેલા તેમની કિડની ખરાબ થઇ ગઇ હોવાના કારણે તે કિડની ટ્રાન્સ્પ્લાન્ટ પણ કરાવી ચૂક્યા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 10મી સપ્ટેમ્બરે મુંબઈની હૉસ્પિટલમાં લાલુ પ્રસાદ યાદવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 76 વર્ષીય લાલુ પ્રસાદ યાદવની તબિયત હાલ એન્જિયોપ્લાસ્ટી બાદ સ્થિર હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : BREAKING: પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા Sitaram Yechuryનું નિધન, રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો શોક
આ પૂર્વે 2014માં પણ મુંબઈમાં એ જ હૉસ્પિટલમાં લાલુની સારવાર થઇ હતી. એ વખતે છ કલાકની સર્જરી બાદ તેમના હાર્ટનો વાલ્વ બદલવામાં આવ્યો હતો. ત્યાર પછી 2018 અને 2023માં પણ તે સારવાર લેવા માટે મુંબઈ આવ્યા હતા.
આ પહેલા 2022માં તેમની કિડની ટ્રાન્સ્પ્લાન્ટ પણ કરવામાં આવી હતી. એ વખતે લાલુની દીકરી રોહિણીએ તેમને કિડની આપી હતી. તેમની કિડની ટ્રાન્સ્પ્લાન્ટ સિંગાપુરની એક ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં કરવામાં આવી હતી.