વાયરલ વીડિયોઃ લાલબાગચા રાજાનું ચોપાટી તરફ પ્રસ્થાનઃ મુંબઈના આ 84 રસ્તા ટ્રાફિક માટે સંપૂર્ણ બંધ…

મુંબઈઃ સમગ્ર મુંબઈ બાપ્પાને ભીની આંખોએ વિદાય આપવા તૈયાર થઈ ગયું છે ત્યારે વિશ્વપ્રસિદ્ધ લાલબાગચા રાજા તેમના પ્રવેશદ્વાર પર આવી ચૂક્યા છે અને ચોપાટી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આજે મુંબઈમા સાર્વજનિક ગણેશનું વિસર્જન થશે અને સાથે ઘણી સોસાયટીઓ અને ઘરમાં દસ દિવસ માટે પધરાવેલા ગણપતિની મૂર્તિનું પણ વિસર્જન કરશે.
આથી મુંબઈમાં ઠેરઠેર બાપ્પાને વિદાય કરવા લોકોની ભીડ અને તેમની સેવા કરતા સ્વયંસેવકો જોવા મળશે.
આ દરમિયાન શહેર માટે ખડેપગે ટ્રાફિકપોલીસ તહેનાત છે અને વ્યવસ્થાના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને લોકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ગિરગાંવ ચોપાટી સહિતની ચોપાટીઓ અને કૃત્રિમતળાવ તરફ ગણપતિ વિસર્જન માટે જતા લોકોની ભીડ પર નિયંત્રણ રાખવા અને લોકોની સુવિધાઓ સાચવવા તેમ જ ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસે સમગ્ર મુંબઈમાં ટ્રાફિકનું નિયમન કર્યું છે. શનિવારથી બીજા દિવસની સવાર સુધી, 84 રસ્તાઓ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે, અને 112 સ્થળોને ‘નૉ પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે.
કુલ 84 રસ્તા ટ્રાફિક માટે બંધ
અનંત ચતુર્દશીના દિવસે, મુંબઈના તમામ રસ્તાઓ પર શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. તેથી, શ્રદ્ધાળુઓને ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે તે માટે વિવિધ સ્થળોએ પોલીસ તૈનાત કરવામાં આવશે. નાગરિકોએ પોલીસની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને સહયોગ કરવો જોઈએ, તેમ મુંબઈ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.
પાંચ મહત્વપૂર્ણ વિસર્જન સ્થળો – ગિરગાંવ ચોપાટી, દાદર ચોપાટી, મલાડ માલવાણી ટી જંકશન, જુહુ ચોપાટી અને પવઈ (ગણેશ ઘાટ) પર ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે.
દક્ષિણ મુંબઈના ૩૯ સહિત મુંબઈના ૮૪ રસ્તાઓ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે, અને ૧૬ રસ્તાઓને એક તરફી બનાવવામાં આવ્યા છે. ૩૨ રસ્તાઓ માલવાહક વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ૧૧૨ સ્થળોને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે.
દક્ષિણ મુંબઈમાં ૪૧ સ્થળોએ પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે સૌથી વધુ છે. પોલીસે દક્ષિણ મુંબઈમાં આવતા અને જતા વાહનચાલકોને કોસ્ટલ રોડનો ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે. ટ્રાફિક પોલીસની આ વ્યવસ્થાને નાગરિકોએ માન આપવું જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ.