લાલબાગચા રાજા અને જીએસબીના ગણપતિને મળ્યું આટલું દાન
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ભક્તો બાપ્પાના ચરણે પોતાની યથાશક્તિએ દાન-ચઢાવો ચઢાવતા હોય છે. આ વર્ષે પણ મુંબઈના પ્રખ્યાત અને સૌથી શ્રીમંત ગણપતિ એવા જીએસબી સેવા મંડળ તથા લાલબાગ ચા રાજાના ચરણે ભરીભરીને દાન કર્યું છે.
રૂ. ૪૦૦ કરોડનું વીમા કવચ ધરાવતા જીએસબીના ગણપતિને કુલ ૧૧.૫ કરોડ રૂપિયાનું રોકડ દાન મળ્યું હતું, જ્યારે ૩૦ કિલો ચાંદી અને ૨૦૦ ગ્રામ સોનાનો ચઢાવો અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વાજતેગાજતે વિસર્જનઃ લાલબાગ, ચિંચપોકલી, સહિત હજારો મંડળોના ‘રાજા’ની વિદાય…
બીજી તરફ લાલબાગના રાજાને દસ દિવસમાં ૫.૧૬ કરોડ રૂપિયા તથા સાડા ત્રણ કિલો સોનું અને ૬૪ કિલો ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું.
જીએસબીમાં આ વર્ષે ભક્તોની સંખ્યા પાંચ દિવસમાં આઠ લાખ સુધી પહોંચી હતી એટલે કે રોજ અંદાજે ૧.૭૫ લાખ લોકોએ બાપ્પાના દર્શન કર્યા હતા. ૮૨,૦૦૦ પૂજા તથા ૩૦,૦૦૦ હવન અહીં કરવામાં આવ્યા હતા. સૌથી વધુ દક્ષિણ ભારતીયો તરફથી ચાંદીની વસ્તુઓ ચઢાવવામાં આવી હતી.
આ પણ વાંચો: વાહ, હિન્દુ મુસ્લિમે સાથે મળી ગણપતિ ની આરતી ઉતારી
લાલબાગના રાજાના ચરણે આ વર્ષે ૫.૧૬ કરોડનું રોકડ દાન કરવામાં આવ્યું હતું, જ્યારે સાડા ત્રણ કિલો સોનું અને ૬૪ કિલો ચાંદીનું દાન કરાયું હતું. ગણેશોત્સવના પ્રથમ દિવસે જ ભક્તો તરફથી ૪૨ લાખ રૂપિયાની રોકડ રકમ દાનમાં આવી હતી, જ્યારે ૧૯૮.ગ્રામ સોનું અને ૫૪૪૦ ગ્રામ ચાંદીની વસ્તુઓ બાપ્પાના ચરણે ધરવામાં આવી હતી.
લાલબાગ ચા રાજાના ચરણે ભક્તો તરફથી જે વસ્તુઓ ધરવામાં આવે છે તેની લિલામી કરાય છે અને તેમાંથી ઉપજતા નાણાં સામાજિક કાર્ય માટે વાપરવામાં આવતા હોય છે. દર વર્ષે ગણેશભક્તો તરફથી રાજાને કરોડોનું દાન કરવામાં આવે છે.