આમચી મુંબઈટોપ ન્યૂઝ

લાડકી બહેન યોજના અંગે સરકારનું મહત્વનું અપડેટ, હવે આ…

મુંબઇઃ મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાના લાભાર્થીઓમાં એવો ડર પ્રવર્તી રહ્યો છે કે આ યોજનામાં આપવામાં આવતા નાણા બળજબરીથી તેમની પાસેથી પરત લઇ લેવામાં આવશે. હવે આ મુદ્દે સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો : એનસીપી સુપ્રીમો શરદ પવારની તબિયત લથડી અને રાજકીય અટકળો ફરી ગરમાઈ…

લાડકી બહેન યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી રકમ પરત લેવા અંગે સરકારી સ્તરે ચર્ચાવિચારણા ચાલી રહી છે. સરકાર આ નાણા પરત લઇ લેવાની છે એવી અટકળો અને અફવાઓના પગલે કેટલીક લાભાર્થી મહિલાઓએ આ યોજનામાંથી સ્વેચ્છાએ બહાર નીકળવા માટે ફોર્મ પણ ભર્યા છે. લાભાર્થી મહિલાઓમાં ડરના પગલે હવે સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અનુપકુમાર યાદવે એવો ખુલાસો કર્યો છે કે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના અંતર્ગત લાભાર્થી મહિલાઓને આપવામાં આવતી રકમ સરકાર બળજબરીથી પાછી લઇ લેશે એવા સમાચાર સાચા નથી.

કેટલીક મહિલાઓએ સ્વેચ્છાએ તેમની લાભની રકમ પરત કરી રહી છે કારણ કે તેઓ યોજનાની શરતો અનુસાર ગેરલાયક ઠરે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે જે મહિલાઓએ સ્વૈચ્છિક રીતે આગામી સમયમાં લાભ ના જોઇતો હોવાની જાણ કરી છે, તેમને વિનંતી ધ્યાનમાં લઇને તેમને લાભ આપવામાં આવતા નથી. જોકે, અન્ય લાભાર્થી મહિલાઓ પાસેથી તેમને મળેલી રકમ પરત લેવાની સરકારની કોઇ યોજના નથી.

નોંધનીય છે કે આ અગાઉ મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતાના પ્રધાન અદિતી તટકરેએ પણ આ યોજના અંગે સ્પષ્ટતા કરી હતી કે માપદંડમાં ગેરલાયક ઠરનારી મહિલાઓની અરજી ફગાવી દેવામાં આવશે, પણ સરકાર તેમને ચૂકવવામાં આવેલી રકમ પરત લેવાનો કોઇ ઇરાદો ધરાવતી નથી.

આ પણ વાંચો : મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે વિન્ટેજ કાર ફિયેસ્ટા-2025નો પ્રારંભ

આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે પણ આ યોજના અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે લાડકી બહેન યોજનાના પૈસા બંધ થઇ જશે એવી અફવાઓ છાશવારે ફેલાવવામાં આવી રહી છે, પણ હકીકત એ છે કે જે મહિલાઓની વાર્ષિક આવક 2,40,000 અથવા તો માસિક 20,000 કે તેથી ઓછી છે, તે બહેનોને લાડકી બહેન યોજનાની રકમ મળશે, પણ જે મહિલાઓની વાર્ષિક આવક આનાથી વધારે છે, તેમના નાણા રોકી દેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button