લાડકી બહેન યોજના ચાલુ રહેશે, રદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી: અજિત પવાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની સરકારની લાડકી બહેન યોજના ચાલુ રહેશે અને તેને રદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ હેઠળ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. ગયા વર્ષે રાજ્યની ચૂંટણીમાં શાસક મહાયુતિ (ભાજપ, શિવસેના અને અજિત પવારની એનસીપી)ની જીતમાં આ યોજનાએ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
મંગળવારે રાત્રે રાજ્યના નાણા પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે, ‘યોજનાના અમલ માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે અને તેને રદ કરવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. અગાઉ, રાજ્યના મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ મંગળવારે જણાવ્યું હતું કે યોજના હેઠળ ચૂકવવામાં આવતી સહાયની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ બીજી યોજના હેઠળ પહેલાથી જ 1,000 રૂપિયા મેળવતી લગભગ 7.74 લાખ મહિલાઓને 500 રૂપિયાનો તફાવત ચૂકવવામાં આવી રહ્યો છે.
તેઓ મીડિયા અહેવાલોનો જવાબ આપી રહ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાડકી બહેન યોજના હેઠળ સહાય 7,74,148 મહિલાઓ માટે ઘટાડવામાં આવી છે. લાડકી બહેન યોજના હેઠળ દર મહિને 1,500 રૂપિયા ચૂકવવામાં આવે છે જે મહિલાઓ અન્ય કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ રહી નથી. જે મહિલાઓ અન્ય યોજનાઓ હેઠળ 1,500 રૂપિયાથી ઓછો લાભ મેળવી રહી છે તેમને લાડકી બહેન યોજના હેઠળ તફાવત ચૂકવવામાં આવે છે, એમ તટકરેએ જણાવ્યું હતું.
આ નીતિ અનુસાર, નમો શેતકરી સન્માન યોજના હેઠળ દર મહિને 1,000 રૂપિયા મેળવતી 7,74,148 મહિલાઓને 500 રૂપિયાનો તફાવત ચૂકવવામાં આવી રહ્યો છે, એમ એનસીપી નેતાએ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. લાડકી બહેન યોજનામાંથી કોઈ પણ પાત્ર મહિલાને બાકાત રાખવામાં આવી નથી, અને 3 જુલાઈ, 2024 પછી ઉપરોક્ત પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી,’ એમ તટકરેએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન તેમણે આ અંગે સ્પષ્ટતા કરી હતી.
વિપક્ષ સતત આ યોજના વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે અને તેના નેતાઓને વહીવટી બાબતોની નબળી સમજ છે અથવા યોજનાની સફળતાથી તેમનું મનોબળ ડગમગ્યું છે, એવો દાવો તેમણે કર્યો હતો.
આપણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટમાં સાત મહત્ત્વના નિર્ણય: એકનાથ શિંદેને ઝૂકતું માપ…