લાડકી બહેન યોજના માટે અરજી કરી પણ…: આ કારણે નથી મળી રહ્યો લાભ…
મુંબઈ: મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરનારી મહિલાઓને એક નવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના કારણે બૅંકના કર્મચારીઓ અને યોજનાનો લાભ મેળવવા ઇચ્છતી મહિલાઓ વચ્ચે વિવાદ થતો હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે.
અનેક મહિલાઓએ બૅંકમાં ખાતા ખોલાવ્યા બાદ કેવાયસી ન કરાવ્યું હોવાના કારણે તેમને લાડકી બહેન યોજનાનો લાભ મળી નથી રહ્યો. સોમવારે ઘાટંજી ખાતે પણ આવી જ ઘટના સામે આવી હતી જેમાં એક મહિલાઓએ યોજનાનો લાભ મેળવવા માટે બૅંકની સામે જ આંદોલન શરૂ કરી દીધું હતું.
મહિલાઓનો આરોપ છે કે કેવાયસી જેવા અનેક નિયમોનું બહાનું આગળ ધરીને તેમને યોજનાનો લાભ આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે લાડકી બહેન યોજનાના પૈસા સીધા પાત્ર અરજદારના ખાતામાં જમા થાય છે. આ યોજના માટે સરકારે અનેક શરતો હળવી પણ કરી છે. જોકે મહારાષ્ટ્ર બૅંકના સ્ટાફ દ્વારા યોજનાનો લાભ મેળવવા આવેલી મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરી તેમનું અપમાન કરવામાં આવતું હોવાનો આરોપ આંદોલન કરી રહેલી મહિલાઓએ કર્યો હતો.
આ પણ વાંચો : સરકારી ગ્રાન્ટ ના ભરોસે ના રહો કારણ કે લાડકી બહેન યોજના પર….. ગડકરીએ કરી દીધી સ્પષ્ટતા
કેવાયસી કે પછી અન્ય કારણોસર બંધ થઇ ગયેલા મહિલાઓના બૅંક ખાતા ફરી શરૂ કરવામાં આવે જેથી મહિલાઓને યોજનાનો લાભ મળી શકે અને સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય તેમના ખાતામાં જમા થઇ શકે, તેવી માગણી આંદોલન કરી રહેલી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. લાભથી વંચિત રહી ગયેલી મહિલાઓની યાદી પણ બૅંકને આપવામાં આવી છે અને જો માગણીઓ પૂરી ન થાય તો વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે, એવી ચીમકી પણ આપવામાં આવી છે.