80 લાખ મહિલાના ખાતામાં જમા થયા લાડકી બહિન યોજનાના રૂ. 3000: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યની લાડકી બહેન યોજના હેઠળ લાભાર્થી મહિલાઓના ખાતામાં પ્રથમ બે મહિનાના નાણાં જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે સાતારામાં લાભાર્થી મહિલાઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 80 લાખ પાત્ર મહિલાઓના ખાતામાં 3000 હજાર રૂપિયા જમા થયા છે.
એકનાથ શિંદેની મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના અંતર્ગત સરકાર પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે રાજ્યભરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ અરજી કરી હતી. સરકારે છેલ્લા બે દિવસમાં 80 લાખ મહિલાઓના ખાતામાં 3000 હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છે. આ રકમ જુલાઈ અને ઓગસ્ટ મહિના માટે છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લાડકી બહેન પ્રોજેક્ટની લાભાર્થી મહિલાઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુલાકાત કરી હતી ત્યાં તેમણે એવી જાહેરાત કરી હતી કે બુધવારે રાજ્યની 33 લાખ મહિલાઓના ખાતામાં રૂ. 3000 જમા કરવામાં આવ્યા હતા અને ગુરુવારે 80 લાખ મહિલાઓના ખાતામાં સીધા રૂ. 3000 પહોંચી ગયા છે. બાકીની પાત્ર મહિલાઓના ખાતામાં 17મી ઑગસ્ટ સુધીમાં લાડકી બહેન યોજનાના નાણાં પહોંચાડી દેવામાં આવશે એવી ખાતરી તેમણે મહિલાઓને આપી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારે બે વર્ષમાં પાંચ લાખ કરોડના એમઓયુ કર્યા, 2.5 લાખ રોજગાર નિર્માણ થશે: એકનાથ શિંદે
14મી ઓગસ્ટ સુધી 1.62 કરોડ નોંધણી
શિંદેએ એમ પણ કહ્યું હતું કે આ યોજનાને મહિલાઓ તરફથી ઉત્સાહપુર્વક પ્રતિસાદ મળી રહ્યો છે. 14 ઓગસ્ટ સુધીમાં 1 કરોડ 62 લાખથી વધુ મહિલાઓનું રજીસ્ટ્રેશન થયું છે. સરકારે મહિલાઓના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરતાં પહેલા તેમના ખાતાની ચકાસણી કરી હતી. વહાલી બહેનોના ખાતા નિષ્ક્રિય છે કે કેમ તેની તપાસ કરવા માટે અનેક મહિલાના ખાતામાં પહેલાં ફક્ત એક રૂપિયો નાખવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ નક્કી કરી છે. આવી સ્થિતિમાં રાજ્યની પાત્ર મહિલાઓ પાસે હજુ પણ લાડકી બહેન યોજના માટે અરજી કરવાની તક છે. સરકારને ચૂંટણીમાં આ યોજનાનો લાભ મળવાની આશા છે