લાડકી બહેન યોજનાનો બોજ અને તઘલખી કારભારને કારણે કૉન્ટ્રેક્ટરોના 89,000 કરોડ રૂપિયા સરકાર આપી શકતી નથી
કરોડોના બિલો બાકી હોવાથી 4,00,000 કૉન્ટ્રેક્ટર્સ હવે કરશે આંદોલન: વિધાનસભાની ચૂંટણી પહેલાં નિર્ધારિત બજેટ કરતાં ચારગણા વધુ કામ આપવામાં આવ્યા હતા અને હવે તેના બિલની ચૂકવણી અટકી પડી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જાહેર બાંધકામ વિભાગ, જળજીવન મિશન હેઠળ જાહેર બાંધકામ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, જિલ્લા પરિષદ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા કામો અને અન્ય ઘણા વિભાગોમાંથી અંદાજે 89 હજાર કરોડ રૂપિયાનાં લેણાં બાકી છે અને તેને કારણે રાજ્યના ચાર લાખ કૉન્ટ્રેક્ટરો અને તેમની સાથે સંકળાયેલા કર્મચારી-અધિકારીઓ મળીને અંદાજે સાત -સાડા સાત કરોડ લોકો આના અસરગ્રસ્તો છે.
આ બધાને ન્યાય મળે એ માટે 19 ઑગસ્ટે રાજ્યના બધા જ 35 જિલ્લાના જિલ્લાધિકારીની કચેરીની બહાર ચાર લાખ કૉન્ટ્રેક્ટરો અને તેમની સાથે સંકળાયેલા કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે.
આપણ વાંચો: થાણેમાં એનસીપી (એસપી)ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, ચૂંટણી પંચના પ્રતીકની પ્રતિકૃતિ સળગાવી
મહારાષ્ટ્ર રાજ્ય કોન્ટ્રાક્ટર ફેડરેશન અને રાજ્ય એન્જિનિયર્સ અને મહારાષ્ટ્ર રાજ્ય પાણી પુરવઠા કોન્ટ્રાક્ટર એસોસિએશન છેલ્લા 10 મહિનાથી વિવિધ લોકશાહી માર્ગો દ્વારા સતત પ્રયાસ કરી રહ્યા છે.
આ મુદ્દે સંગઠનના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજવા માટે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને ત્રણ-ચાર વખત વિનંતી પત્રો આપવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર ખાતરી સરકાર તરફથી મળી ન હોવાથી આ સાત કરોડ લોકોની આજિવિકાની સમસ્યા ગંભીર બની છે.
મહારાષ્ટ્ર રાજ્ય કોન્ટ્રાક્ટર ફેડરેશનના પ્રમુખ મિલિંદ ભોંસલેએ જણાવ્યું હતું કે ચૂંટણી વર્ષમાં પીડબ્લ્યુડી અને ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલા રોડ કોન્ટ્રાક્ટ અભૂતપૂર્વ હતા.
આપણ વાંચો: પાટનગરમાં વિરોધ પ્રદર્શન: પ્રદર્શનકારીઓને ક્યાં સુધી ગોંધી શકાય? જાણો કાયદો…
‘એ સાચું છે કે મોટાભાગના પ્રોજેક્ટ્સ અધવચ્ચે છોડી દેવામાં આવ્યા છે, જેના કારણે રસ્તાઓ ખરાબ સ્થિતિમાં છે. બાકી બિલો અને આ વર્ષે માર્ચથી કોઈપણ ચૂકવણી થઈ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.
આ સરકારની બિનઅસરકારક નીતિને કારણે, એક કોન્ટ્રાક્ટર એન્જિનિયર ભાઈએ પોતાનું જીવન સમાપ્ત કરી દીધું, જે રાજ્યના કોન્ટ્રાક્ટરો માટે એક મોટો આઘાત હતો. આ કારણે, રાજ્યના ઘણા કોન્ટ્રાક્ટરોએ હતાશામાં 15 ઓગસ્ટે આત્મદહન કરવાની જાહેરાત કરી હતી, જેમને પરાવૃત કરવામાં એસોસિયેશનને સફળતા મળી હતી, એમ મિલિંદ ભોસલેએ જણાવ્યું હતું.
એક દાખલા તરીકે 2024-25 માટે પીડબ્લ્યુડીનું વાર્ષિક બજેટ રૂ. 27,000 કરોડ હતું, જેમાંથી રૂ. 15,000 કરોડ રસ્તાના બાંધકામ માટે ખર્ચ કરવાના હતા જ્યારે બાકીની રકમ ઇમારતોના બાંધકામ અને જાળવણી માટે હતી.
આપણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો! લાખો લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા
ચૂંટણી પહેલા રૂ. 64,000 ના રસ્તા પ્રોજેક્ટ્સને મંજૂરી મળ્યા બાદ, રૂ. 13,527 કરોડનું કામ પૂર્ણ થયું હતું, જેના બિલ હજુ પણ વિભાગ પાસે બાકી છે. આવી જ રીતે લાતુર જિલ્લાનો આઉટલે ફક્ત 200-250 કરોડનો છે ત્યાં રૂ. 1,600 કરોડના કામ આપવામાં આવ્યા હતા.
ચૂંટણીમાં વિજય સુનિશ્ર્ચિત કરવા માટે એકનાથ શિંદેની સરકારે દરેક જિલ્લાના લોકો અને નેતાઓને ખુશ કરવા માટે કામની લ્હાણી કરી હતી અને તેને કારણે આજની સ્થિતિ સર્જાઈ છે. હવે એવી હાલત થઈ છે કે રાજ્યમાં નવા કોઈ કામ શરૂ નથી થઈ રહ્યા. ગુરુવારે ત્રણેય રાજ્ય સંગઠનોની બેઠક ઓનલાઈન યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં, સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા બાકી ચૂકવણી ન ચૂકવવા અને અન્ય ઘણા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં નિષ્ફળતાના વિરોધમાં, મહારાષ્ટ્રના 35 જિલ્લાઓમાં મંગળવાર, 19 ઓગસ્ટ, 2025ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીઓ સામે ધરણા અને આંદોલન કરવામાં આવશે. મહારાષ્ટ્ર સ્ટેટ કોન્ટ્રાક્ટર્સ ફેડરેશન, સ્ટેટ એન્જિનિયર્સ એસોસિએશન અને મહારાષ્ટ્ર સ્ટેટ વોટર સપ્લાય કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આ આંદોલનમાં સહભાગી છે.
તેમણે રાજ્ય સરકાર પાસેથી કૉન્ટ્રેક્ટરની લેણી નીકળતી રકમની વિગતો આપતાં કહ્યું હતું કે કુલ 89,000 કરોડની રકમ સરકાર પાસેથી લેણી નીકળે છે, જેમાંથી 46,000 કરોડ પીડબ્લ્યુડી (જાહેર બાંધકામ ખાતા)ના છે.
ગ્રામવિકાસ ખાતાના 12,000 કરોડ, જલજીવન ખાતાના 12,500 કરોડ, વિશેષ નિધિ હેઠળના 4,500 -5000 કરોડ, જળસંધારણ ખાતાના 8,500 કરોડ, ડીપીડીસીના 3500-4500 કરોડ જુલાઈ-2024થી લેવાના બાકી છે.
માર્ચ મહિનામાં કૉન્ટ્રેક્ટરોને છેલ્લો હપ્તો મળ્યો હતો, ત્યારથી એકેય પૈસો મળ્યો નથી. રાજ્ય સરકારે ડીપીડીસી અને આમદાર ફંડ હેઠળના બધા જ કામ બંધ કરી નાખ્યા છે.
અત્યાર સુધીમાં મુખ્ય પ્રધાનને પાંચ પત્ર આપ્યા હતા. હજી સુધી મુલાકાતનો સમય નથી મળ્યો. સુધીર મુનગંટીવાર, ચંદ્રશેખર બાવનકુળે, ગિરીશ મહાજન જેવા નેતાઓ સાથે પણ આ મુદ્દે મુલાકાતો થઈ છે અને મુખ્ય પ્રધાન કચેરીમાં પણ ત્રણ વખત વ્યક્તિગત રીતે જઈને આવ્યા હોવા છતાં અમારી સમસ્યાનું નિરાકરણ ન થયું હોવાથી આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે.
લાડકી બહિન યોજના પર વાર્ષિક રૂ. 48,000 કરોડના મોટા ખર્ચને કારણે સરકાર બાકીના બિલો ચૂકવી શકતી નથી. ચૂંટણીના વર્ષ દરમિયાન વધુ પડતી મંજૂરીઓને કારણે સરકાર નવા રસ્તાઓને મંજૂરી આપી શકી નથી અથવા 2025-26ના બજેટમાં કોઈપણ જોગવાઈઓ કરી શકી નથી અથવા જૂનમાં રજૂ કરાયેલી પૂરક માગણીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે હાલના રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ થશે, એવી માહિતી રાજ્ય સરકારના એક અધિકારીએ આપી હતી.
અપવાદ તરીકે, રાજ્ય સરકારે આ વર્ષે ફક્ત ત્રણ રાજ્ય માર્ગ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ફાળવ્યું છે, એવી માહિતી આપતાં નાણા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ્સ આગામી કુંભ મેળા માટે નાસિકમાં રૂ. 1,500 કરોડના રસ્તાઓ, ગઢચિરોલી માઇનિંગ કોરિડોરમાં રૂ. 600 કરોડના રસ્તાઓ અને ચંદ્રપુરમાં રૂ. 400 કરોડના રસ્તાઓ સાથે સંબંધિત હતા.
બીજી તરફ પીડબ્લ્યુડી ખાતાના પ્રધાન શિવેન્દ્ર રાજે ભોસલેએ જણાવ્યું હતું કે, અમે બાકી બિલોને ચૂકવવા માટે તબક્કાવાર બજેટ જોગવાઈઓ કરી રહ્યા છીએ. પીડબ્લ્યુડીના રોડ કોન્ટ્રાક્ટ સંબંધિત બાકી રકમ ઉપરાંત, રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ, પાણી પુરવઠા અને જિલ્લા આયોજન વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા કામના બિલના નાણાં ચૂકવવાના બાકી છે.