‘આધાર’નો અભાવ: વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં સમસ્યા
મુંબઈ: આધાર નંબરના અભાવને કારણે શહેરની પાલિકા તેમજ અનુદાન મેળવતી શાળાઓ ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓના નામ યુનિફાઇડ ડિસ્ટ્રીક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (યુડીઆઇએસઈ+) પોર્ટલ પર રજીસ્ટર કરી શકતી નથી. બેઘર અને શાળામાં નહીં ભણી શકતા ૧૨૮૦ બાળકોમાં રજિસ્ટ્રેશનથી વંચિત રહેલાઓમાં સમાવેશ થાય છે. આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં શાળા શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશ દરમિયાન આ બાળકોને શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા.
છ વર્ષનો રાહુલ (નામ બદલવામાં આવ્યું છે) અસરગ્રસ્ત વિદ્યાર્થી છે. એ રે રોડ વિસ્તારમાં સડક પર રહે છે. નથી એની પાસે જન્મ પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ) કે નથી કોઈ રહેઠાણનો પુરાવો જેને આધારે એ આધાર માટે અરજી કરી શકે કે યુડીઆઇએસઈ+ પોર્ટલ પર રજીસ્ટર થઈ શકે. પરિણામે થયું છે એવું કે ભાયખલા સ્થિત અનુદાન મેળવતી શાળામાં છેલ્લા ચાર મહિનાથી ભણતો હોવા છતાં એ સરકારી લાભ નથી મેળવી શકતો. એની જ શાળાના અન્ય ૩૫ વિદ્યાર્થીઓ પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ પાસે જન્મ પ્રમાણપત્ર નથી અને/અથવા આધાર કાર્ડ નથી. પરિણામે તેમને માટે ઘણી સમસ્યા ઊભી થાય છે. કારણ કે શાળાઓ આધાર સંબંધિત માહિતી યુડીઆઇએસઈ+ પોર્ટલ પર પૂરી પાડે એ રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે.