
મુંબઇ: મુંબઇના બોરીવલીમાં એક શાકભાજીના વેપારીએ તેની જ દુકાનમાં કામ કરતાં વ્યક્તી પર લસણની ચોરીનો આક્ષેપ કરી મારી મારીને તેની હત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે શાકભાજીના વેપારી ઘનશ્યામ આગરી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની અટક કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક પંકજ મંડલ શાકભાજી માર્કેટમાં શાકભાજીના કોથળાને ચઢાવવાનું અને ઉતારવાનું કામ કરતો હતો. આ વેપારીએ પંકજને 6400 રુપિયા કિંમતનું 20 કિલો લસણ ચોરી કરતાં પકડ્યો હોવાનો આક્ષેપ કરી તેને ઢોર માર માર્યો હતો. આરોપી તેને ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી પંકજ જમીન પર ઢળી ન પડ્યો.
પોલીસે આ બનાવમાં સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધી છે. જેમાં શાકભાજીનો વેપારી ઘનશ્યામ મજૂરને નિર્દયતાથી મારી રહ્યો છે. પોલીસે આરોપી વેપારીની સામે આઇપીસીની કલમ 302 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અને દુકાનદારની ધરપકડ કરી છે.