થાણેના કચ્છી યુવકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો પણ નવ જણને આપ્યું જીવતદાન
મકારસંક્રાંતિને દિને પરિવાર સાથે પાર્ટી કરી, પણ ઘરે આવતાં નડ્યો જીવલેણ અકસ્માત
જયદીપ ગણાત્રા
મુંબઈ: થાણેમાં રહેતા ભાનુશાલી પરિવારને માથે ૨૩મી જાન્યુઆરીએ આભ તૂટી પડ્યું. મકરસંક્રાંતિના દિને પરિવાર સાથે પાર્ટી મનાવીને ઘરે પરત ફરી રહેલા ૨૭ વર્ષના ભાવિન મહેશ મંગેને અકસ્માત નડ્યો હતો અને તેનું મંગળવારે ૨૩મી જાન્યુઆરીના રોજ અકાળે મૃત્યુ થયું હતું. ભાવિનના મોતને પગલે મંગે પરિવાર જ નહીં, પણ આખો ભાનુશાલી શોકમાં ગરકાવ થઇ ગયો હતો.મૂળ કચ્છ ધનાવાડાના અને થાણેના સાવરકર વિસ્તારમાં રહેતા મહેશ મંગેના
નાના દીકરા તથા કચ્છી ભાનુશાલી સમાજના સંતશ્રી ઓધવરામ બાપા નાનાણા પરિવારનો દીકરો ભાવિન મંગેને ૧૪મી જાન્યુઆરીએ રાતના બાઈક પર અકસ્માત નડવાને કારણે તેને માથામાં ઈજા થઇ હતી. તાબડતોબ થાણેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભાવિનને દાખલ કરવામાં આવ્યો હતો, જેને બાવીસમી જાન્યુઆરીના રોજ બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ૨૩મી જાન્યુઆરીએ ભાવિનનું અવસાન થયું હતું. શોકમાં ડૂબેલા મંગે પરિવારે દીકરાના મૃત્યુનું દુ:ખ હોવા છતાં અંગદાન કરવાનો મોટો નિર્ણય લીધો હતો.
આ અંગે માહિતી આપતાં ભાવિનના કાકા ગિરીશભાઈએ જણાવ્યું હતું કે ભાવિન અને તેનો મોટો ભાઈ જિગર ઓનલાઈન રિટેઈલિંગનું કામ કરે છે. હૈદ્રાબાદથી બહેન મનાલી આવી હોવાથી પરિવારજનો સાથે મકારસંક્રાંતિના દિને યેઉર ખાતે પાર્ટી મનાવવાનું નક્કી કર્યું હતું. યેઉરથી ઘરે આવતાં મોડું થયું હતું. ભાવિન બાઈક પર હતો અને બાકીના બધા કારમાં હતા. ઘરે આવી રહ્યા હતા એ સમયે જ્યાં ક્ધસ્ટ્રક્શન સાઈટનું કામ ચાલી રહ્યું હતું એ ઠેકાણે એક ડમ્પર હતું. ડમ્પરને ખોટી દિશામાં પાર્ક કરવામાં આવ્યું હતું. ભાવિન જ્યારે અહીંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સામેથી એક વાહન આવી રહ્યું હતું અને એ કારને સાઈડ આપવા જતાં તેની બાઈકને બ્રેક મારવી પડી હતી, પણ તેણે કાબૂ ગુમાવતા એ ડમ્પર સાથે અથડાયો હતો. આને કારણે ભાવિનને માથામાં ઈજા થઇ હતી. તાબડતોબ તેને થાણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પાંચેક દિવસથી સારવાર લઈ રહેલા ભાવિનને સોમવારે બાવીસમી જાન્યુઆરીએ બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ડોક્ટરે ભાવિનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતાં મંગે પરિવાર ભાંગી પડ્યો હતો. દુ:ખનો ડુંગર જેના માથે ખડકાયો હતો એ મંગે પરિવારે આવી પરિસ્થિતિમાં પણ ભાવિનનાં અંગોને દાન કરવાનો શ્રેષ્ઠ નિર્ણય કર્યો હતો. દીકરાના મૃત્યુથી પણ હિંમત ન હારનારા પરિવારે ભાવિનની બે કિડની, સ્વાદુપિંડ, આંખો, યકૃત, હૃદય અને ફેફસાંના દાન કરીને ૯ જણને જીવતદાન આપ્યું હતું. મંગળવારે ૨૩મી જાન્યુઆરીના રોજ ભાવિનને મૃત જાહેર કરાયો ત્યારે આખો મંગે પરિવાર અને ભાનુશાલી સમાજ શોકમાં ડૂબેલો હતો, પણ શરીરનાં અવયવોનાં દાન કરીને અન્ય લોકોને જીવન મળ્યાં તેનો તેઓનો આનંદ હતો.