રામ રાખે તેને કોણ ચાખે: 14માં માળ પરથી નીચે પટકાયા બાદ આ છોકરીનો વાળ પણ વાંકો ન થયો
મુંબઇ: કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવત આપણાંમાંથી ઘણાંને ખબર છે. પણ કુર્લાના એક પરિવારે આ કહેવત અનુભવી હતી. તેમના પરિવારમાં જે ઘટના બની તેણે આ કહેવતને યથાર્થ રુપ આપ્યું છે. કુર્લામાં રહેનારો શેખ પરિવાર એ દિવસ ક્યારેય ભૂલી નહીં શકે. આ પરિવારે તેમની 13 વર્ષની દીકરી જાણે ગુમાવી જ દીધી હતી. પણ ભગવાનની કૃપાથી તે સલામત છે. કાળ આવ્યો હતો પણ એનો સમય આવ્યો નહતો. આખરે એવું તે શું ઘડ્યું?
પ્રાપ્ત વિગતો અનુસાર કુર્લાના નેહરુ નગરમાં એક 13 વર્ષની દીકરી 14માં માળેથી નીચે પટકાઇ હતી. પણ સદનસીબે તેનો વાળ પણ વાંકો થયો નહતો અને તે બચી ગઇ હતી. આ સાંભળનાર અને જોનારને કદાચ માનવામાં નહીં આવે કે 14માં માળેથી પટકાયા બાદ કોઇનો આબાદ બચાવ થયો હોય.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ સકીરા શેખ નામની છોકરી કુર્લામાં તેના પરિવાર સાથે એક બહુમાળી ઇમારતમાં રહે છે. 17 માળની આ ઇમારતમાં 14માં માળે શેખ પરિવાર રહે છે. આ ઘટના બની તે દિવસે સકીરા તેને જન્મ દિવસે મળેલા રમકડાં લઇને ઘરની બારી પાસે રમી રહી હતી. જ્યારે ઘરના અન્ય સભ્યો બીજી રુમમાં ટીવી જોઇ રહ્યાં હતાં. અચાનક રમતાં રમતાં સકીરાએ સંતુલન ગુમાવ્યું અને તે 14માં માળેથી બારીમાંથી નીચે પડી હતી.
નીચે પડતી વખતે સકીરા આજુ બાજુના ઝાડની ડાળખી અને ઇમારતના પતરાઓને અથડાતાં અથડાતાં નીચે પડી હતી. દીકરી નીચે પડી ગઇ છે એવી જાણ થતાં જ આખા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. તેઓ નીચે દોડી ગયા. જોકે સામેનું દ્રશ્ય જોઇને તેઓ અવાક રહી ગયા.
14માં માળેથી પડ્યાં બાદ પણ તેમની દીકરી સલામત હતી. તેના હાથમાં નાની મોટી ઇજા થઇ બસ. બાકીને સલામત હતી. પરિવારજનો તેને તરત જ સાયનમાં આવેલ તીલક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા. ત્યાં તેની સારવાર ચાલી રહી છે અને સકીરા હવે એકદમ સ્વસ્થ છે. કહેવાય છે ને કે કાળ આવ્યો હતો પણ એનો સમય આવ્યો નહતો તેથી જ સકીરાનો આબાદ બચાવ થયો હતો.