બાળકી સાથે દુષ્કર્મના કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાં બાળકી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને વિનોબા ભાવે નગર પોલીસે વડોદરાથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ નૌશાદ ઇસરાર અહમદ (22) તરીકે થઇ હોઇ તેણે પોલીસથી બચવા માટે ત્રણ વર્ષમાં 65 સિમકાર્ડ બદલ્યાં હતાં, એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
બાળકી સાથે દુષ્કર્મ આચરવા બદલ નૌશાદ અહદમ વિરુદ્ધ 18 જુલાઇ, 2022ના રોજ વિનોબા ભાવે નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયા બાદ તે ફરાર થઇ ગયો હતો. પોલીસથી બચવા માટે તે ત્રણ વર્ષમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં નામ બદલીને રહેતો હતો. તેણે ત્રણ વર્ષમાં 65 સિમકાર્ડ બદલીને અસ્તિત્વ છુપાવી રાખ્યું હતું.
જોકે તાજેતરમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી નૌશાદ ગુજરાતમાં પદમલા વિસ્તારમાં સેફ એક્સપ્રેસ ગોડાઉન ખાતે ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાથી તે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સતત ફરતો રહેતો હતો. દરમિયાન આરોપી વડોદરામાં પદમલા વિસ્તારમાંના સેફ એક્સપ્રેસ ગોડાઉન ખાતે હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં રવાના થઇ હતી અને ત્યાંના છાની પોલીસ સ્ટેશનના અધિકારીઓની મદદથી તેને પકડી પાડ્યો હતો. આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.