WATCH: Kurla accident: મૃત્યાંક છ થયો, ડ્રાયવર હતો કૉન્ટ્રાક્ટ પર, જૂઓ સીસીટીવી ફૂટેજ
કુર્લાઃ કુર્લાના એસ. જી. બર્વે રોડ પર બેકાબુ બનેલી બસને કારણે થયેલા અકસ્માતની વિગતો જેમ જેમ આવતી જાય છે, તેમ તેમ તેની ભીષણતાનો ખયાલ આવતો જાય છે અને આંખની સામે લોકોની ચિચિયારી અને આક્રંદ દેખાવા માંડે છે. ‘હું રેલ્વે સ્ટેશન જવા માટે ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે મેં જોરદાર અવાજ સાંભળ્યો. હું તરત જ અકસ્માત સ્થળ પર પહોંચ્યો. બેસ્ટની એસી બસે રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી હતી,’ એમ એક પ્રત્યક્ષદર્શીએ બેસ્ટ બસના અકસ્માત સમયે તેણે ઘટનાસ્થળે શું થઈ રહ્યું હતું તેની માહિતી આપતા જણાવ્યું હતું. કુર્લા પશ્ચિમના બુધ કોલોની વિસ્તારમાં સોમવારે એટલે કે 9 ડિસેમ્બરની રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બેસ્ટ બસના ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને 43થી વધુ લોકો ઘાયલ થયા છે.
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ‘રસ્તા પર લોકોની ભીડ હતી. એવા સમયે બેસ્ટની એક બસ પૂરઝડપે આવી હતી અને તેણે નાગરિકો અને વાહનોને ઉડાવી દીધા હતા. બસે એક રિક્ષા અને અન્ય વાહનો સાથે ત્રણ કારને ઉડાવી દીધી હતી. મારી આંખો સામે કેટલાક મૃતદેહો પડ્યા હતા. ક્ષણવાર માટે તો હું થીજી જ ગયો. શું થયું , કેવી રીતે થયું એ કંઇ સમજું તે પહેલા તો લોકોની ચિચિયારી અને આક્રંદથી વાતાવરણ ભરાઇ ગયું હતું. હું પણ એ તરફ ભાગ્યો. નજીક ઊભેલા લોકોની મદદથી અમે મુસાફરોને અકસ્માતગ્રસ્ત રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા. તેઓને બીજી રિક્ષામાં ભાભા હોસ્પિટલમાં લઈ ગયા હતા.’
અકસ્માત બાદ ઘાયલોને નજીકના વિસ્તારની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બસનો ડ્રાયવર 1લી ડિસેમ્બરે જ કોન્ટ્રાક્ટ પર કામે લાગ્યો હતો. તેનું નામ સંજય સંજય મોર હોવાનું બહાર આવ્યું છે. ઘટના બાદ કુર્લા વિસ્તારમાં રોષ અને ગમગીનીનો માહોલ છે.
Also read: કુર્લા બેસ્ટ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો
આ અકસ્માત બાદ બેસ્ટના કેટલાક બસ રૂટ બદલવામાં આવ્યા છે. બસ રૂટ 37,320,319,325,330,365 અને 446 બસો કુર્લા અગરથી ચાલશે. તેમજ સાંતાક્રુઝ સ્ટેશનથી કુર્લા સ્ટેશન તરફ દોડતી 311, 313 અને 318 બસો તિલક નગર ખાતે યુ-ટર્ન લેશે અને કુર્લા સ્ટેશનને બદલે સાંતાક્રુઝ સ્ટેશન જશે. બસ રૂટ 310 પણ બાંદ્રા બસ સ્ટેશન પહોંચવા માટે તિલક નગર બ્રિજ પર યુ-ટર્ન લેશે.