કોંગ્રેસના નેતા કુણાલ પાટિલ ભાજપમાં જોડાયા

મુંબઈ: કટ્ટર કોંગ્રેસી વફાદાર પરિવારના ત્રીજી પેઢીના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય કુણાલ પાટિલ મંગળવારે ભાજપમાં જોડાતા ઉત્તર મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
ધૂળેના રહેવાસી પાટીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો નિર્ણય સ્વૈચ્છિક હતો અને લોકોને ટેકો મળ્યો હતો.
‘ભાજપમાં જોડાવા માટે મારા પર કોઈ દબાણ નથી. હું જાહેર સેવાની પરંપરામાંથી આવ્યો છું. મારા સમર્થકો અને મતદારોએ મારા નિર્ણયને ટેકો આપ્યો છે. હું લોકોની વધુ અસરકારક રીતે સેવા કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું,’ એમ તેમણે જણાવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતાઓ ચંદ્રશેખર બાવનકુળે, રવીન્દ્ર ચવાણ અને ગિરીશ મહાજન દ્વારા તેમનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાટીલ નવેમ્બર 2024માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. તેમણે અગાઉ બે ટર્મ વિધાનસભ્ય તરીકે સેવા આપી હતી. તેમના પક્ષપલટાને કોંગ્રેસ માટે એક નોંધપાત્ર નુકસાન તરીકે જોવામાં આવે છે, કારણ કે તેમના પરિવારનો ત્રણ પેઢીઓથી વધુ સમયથી પાર્ટી સાથે ઊંડો સંબંધ રહ્યો છે.
આ પણ વાંચો: કોંગ્રેસના વિધાનસભ્ય પટોલે સ્પીકરના પોડિયમ પર ચઢી ગયા, વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ
તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન રોહિદાસ પાટિલના પુત્ર છે, જેમણે સતત કોંગ્રેસની સરકારોમાં મુખ્ય મંત્રાલયો સંભાળ્યા હતા.
પક્ષમાં પરિવારના મહત્ત્વના સંકેત તરીકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે માર્ચમાં રોહિદાસ પાટિલની તબિયત ખરાબ હતી ત્યારે તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમની અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે ફોન પર વાતચીત પણ કરી હતી.
કુણાલ પાટિલના દાદા, ચુડામણ પાટિલ, 1962થી 1971 દરમિયાન ધુળે લોકસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડાએ કહ્યું કે ભાજપ કટોકટી પર ખોટો પ્રચાર ફેલાવી રહ્યું છે
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે આ પગલાની ટીકા કરી હતી અને તેને સ્વ-તોડફોડ ગણાવી હતી.
‘પાટીલનો નિર્ણય પોતાને જ નુકસાન પહોંચાડશે. ભાજપ પોતાની કેડરને નેતૃત્ત્વની ભૂમિકામાં ઉછેરી શકતું નથી, તેથી જ તે અન્ય પક્ષોના નેતાઓને ચોરી રહી છે. કુણાલ પાટિલ કોંગ્રેસના ગૌરવશાળી વારસામાંથી આવે છે. તેમના પિતા અને દાદા બંને કોંગ્રેસના અગ્રણી નેતાઓ હતા જેમણે મુખ્ય પદો સંભાળ્યા હતા. આ નિર્ણયથી તેઓ ખૂબ જ દુ:ખી થશે,’ એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે જે કોઈ કોંગ્રેસ છોડવા માંગે છે તે આમ કરવા માટે સ્વતંત્ર છે. ‘અમે મહારાષ્ટ્રમાં સખત મહેનત કરીને પક્ષને મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું.’