કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લક્ષ્ય બનાવતા પેરોડી ગીત બદલ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
માર્ચ મહિનામાં બજેટ સત્ર દરમિયાન રાજ્ય વિધાન પરિષદમાં ભાજપના સભ્ય પ્રવીણ દરેકરે કામરા અને શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સુષ્મા અંધારે વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરી હતી.
વિધાનસભાના સચિવ જીતેન્દ્ર ભોલેએ જણાવ્યું હતું કે, ‘વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ ભાજપના એમએલસી પ્રસાદ લાડની આગેવાની હેઠળની વિશેષાધિકાર સમિતિને નોટિસ મોકલી છે.’
આપણ વાંચો: કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી થશે
જ્યારે લાડનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળની સમિતિએ વિશેષાધિકાર ભંગની નોટિસ અંગે ચર્ચા કરવા માટે બેઠક કરી હતી અને તેમણે કામરા અને અંધારેને નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
માર્ચ મહિનામાં, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓના ભોગે પોતાની કોઈ પણ પ્રતિબંધ વિનાની સ્ટેન્ડ-અપ કોમેડી માટે જાણીતા કામરાએ શિવસેના પ્રમુખને નિશાન બનાવતું એક ગીત બનાવીને શિંદેના સમર્થકોના ગુસ્સો વહોરી લીધો હતો.